પતંજલિની 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ, IMF ચીફે કહ્યું- રામદેવે કોવિડમાં ખોટા દાવા કરીને તમામ હદ વટાવી
નૈનીતાલ (ઉત્તરાખંડ), 29 એપ્રિલ: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી પણ ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ વિભાગની લાઇસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના પ્રમુખ અશોકને કહ્યું કે બાબા રામદેવે જ્યારે કોવિડ-19નો ઈલાજ કરવાનો દાવો કર્યો ત્યારે તમામ હદ વટાવી દીધી હતી.
ભ્રામક જાહેરાતના મામલામાં દિવ્યા ફાર્મસીના પતંજલિની 14 પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દિવ્યા ફાર્મસીના જે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શ્વાસારી ગોલ્ડ, શ્વાસારી વટી, દિવ્યા બ્રોનકોમ, શ્વાસારી પ્રવાહી, શ્વાસારી અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ ગોલ્ડ, લિવોગ્રિટ અને પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપ સામેલ છે.
ભ્રામક જાહેરાત બાદ પ્રતિબંધનો નિર્ણય
ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની સૂચના અનુસાર, દિવ્યા ફાર્મસીનું લાઇસન્સ તેના ઉત્પાદનોની અસરકારકતા વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ બંધ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે તાજેતરના અઠવાડિયામાં પતંજલિ આયુર્વેદને તેના કેટલાક ઉત્પાદનોની ભ્રામક જાહેરાતોને રોકવા માટેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. યોગગુરુ સ્વામી રામદેવ સામે તિરસ્કારના આરોપો દાખલ કરવા જોઈએ કે કેમ તે નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટ આવતીકાલે (30 એપ્રિલ) પતંજલિના કેસની સુનાવણી કરશે. મહત્ત્વનું છે કે, રામદેવ પતંજલિ આયુર્વેદના મુખ્ય કર્તાધર્તા છે.
રામદેવે કોવિડ અંગે ખોટા દાવા કરીને હદ વટાવી દીધી: IMF
આ પહેલા આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. આરવી અશોકને કહ્યું હતું કે અમે પતંજલિને કોર્ટમાં ખેંચ્યા કારણ કે સ્વામી રામદેવે તમામ હદો વટાવી દીધી હતી. તેમણે કોરોનિલ દ્વારા કોવિડ-19નો ઈલાજ કરવાનો દાવો કર્યો અને આધુનિક તબીબી વિજ્ઞાનને બદનામ કર્યું. અશોકને કહ્યું કે રામદેવે મેડિકલ સાયન્સને ‘આધુનિક દવા એક મૂર્ખ વિજ્ઞાન છે’ કહીને બદનામ કર્યું. ભ્રામક નિવેદનો કરવા માટે સુપ્રીમ કોર્ટે રામદેવ અને પતંજલિ આયુર્વેદને ફટકાર લગાવ્યા બાદ આ પ્રથમ વખત છે કે IMA દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ મામલાની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે એટલે કે 30મી એપ્રિલે ફરી સુનાવણી થવાની છે.
IMA દ્વારા 2022માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. IMAએ અરજીમાં કહ્યું હતું કે આધુનિક દવા અને કોવિડ રસીકરણ અભિયાનને બદનામ કરવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પછી, કોર્ટે રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને ભ્રામક જાહેરાતો પ્રકાશિત ન કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ જનતાની માફી માંગવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટે રામદેવ-બાલકૃષ્ણની માફી નકારી, કહ્યું- ‘અમે બધું સમજીએ છીએ’