14 Feb : પુલવામા હુમલાના 4 વર્ષ, જે દરેક ભારતીયો માટે બની ગયો છે ‘બ્લેક ડે’
14 ફેબ્રુઆરી, 2019ના રોજ દેશના યુવાનો જ્યારે પ્રેમનો દિવસ ઉજવી રહ્યા હતા. ત્યારે ભારત દેશના 40 વીર શપૂતોએ શહાદત વહોરી હતી. 14 ફ્રેબ્રુઆરી એટલે કાળમૂખો દિવસ ભારતનો એક પણ નાગરિક આ દિવસ ભૂલી શકે તેમ નથી. વિશ્વમાં ભલે લોકો આજે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવતા હોય છતાં, પુલવામા હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે ‘બ્લેક ડે’ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો : રાષ્ટ્રીય મહિલા દિવસ : દેશમાં સન્માનભેર, સ્વાવલંબી અને ગૌરવપૂર્ણ જીવન જીવતી મહિલાઓને સલામ
જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ 2500 જવાનોને લઇને 78 બસોમાં CRPFનો કાફલો પસાર થઇ રહ્યો હતો. કાફલો પુલવામાં પહોંચી જ રહ્યો હતો કે, સડકની બીજી તરફથી આવતી એક એસયૂવી કારે સીઆરપીએફના વાહનને ટક્કર મારી હતી અને તેમાં અચાનક જ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનોએ શહીદી વહોરી હતી.
આ બ્લાસ્ટ એટલો ઘાતક હતો કે આસપાસના વિસ્તારોમાં પણ લોકોને તેનો અનુભવ થયો હતો. ચારે તરફ ધૂમાડો અને લાશો અને લોહીથી તરબતર રોડનું એ દ્રશ્ય જોઇ આજે પણ દરેક દેશવાસીની આત્મા કંપી ઉઠે છે. સૈનિકો તેમના સાથીઓને શોધવામાં વ્યસ્ત હતા. સેનાએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલ વીર સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
2500 જવાનો હતા નિશાના પર
સૈનિકોનો કાફલો જમ્મુના ચેનાની રામા ટ્રાન્ઝિટ કેમ્પથી શ્રીનગર જવા રવાના થયો હતો. વહેલી સવારે નીકળેલા સૈનિકો સૂર્યાસ્ત પહેલા શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં પહોંચવાના હતા. જેનુ અંતર આશરે 30 કિમી હતુ અને સૈનિકો સવારના 3:30 વાગ્યાથી મુસાફરી કરી રહ્યા હતા. 78 બસોમાં 2500 સૈનિકો સાથેનો કાફલો જમ્મુથી શ્રીનગર જવા માટે રવાના થયો હતો. પરંતુ પુલવામામાં જ જૈશના આતંકીઓએ આ જવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા. સૈનિકોના આ કાફલામાં ઘણા સૈનિકો રજા પૂરી કરીને ફરજ પર પરત ફર્યા હતા. તે જ સમયે હિમવર્ષાને કારણે જે સૈનિકો શ્રીનગર જવાના હતા, તેઓ પણ તે જ કાફલાની બસોમાં મુસાફરી કરી રહ્યા હતા. જૈશના નિશાના પર તો આ તમામ 2500 સૈનિકો હતા.
આંતકી સંગઠન જૈશે લીધી હુમલાની જવાબદારી
આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ દેશભરમાં રોષનો માહોલ સર્જાયો હતો. દરેક દેશવાસીના મનમાં બદલાની ભાવના હતી. આ વચ્ચે આ નાપાક હરકતની જવાબદારી આતંકી સંગઠન જૈશે ટેક્સ્ટ મેસેજ કરીને લીધી હતી. જૈશે આ મેસેજ કાશ્મીરની ન્યૂઝ એજન્સી જીએનએસને મોકલ્યો હતો. જ્યાં હુમલો થયો હતો, ત્યાંથી શ્રીનગરનું અંતર માત્ર 33 કિલોમીટર હતું અને કાફલાને પહોંચવામાં માત્ર એક કલાકનો સમય બાકી હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, સૈનિકોના શરીર પણ ઉડી ગયા. આ હુમલાને જૈશ દ્વારા બદલો ગણવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હુમલાના બે દિવસ પહેલા પુલવામાના રત્નીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં જૈશના એક આતંકીને ઠાર કર્યો હતો.
નોંધનીય છે કે બાદમાં ભારતના વીર જવાનોએ પોતાના સાથીઓનો બદલો એરસ્ટ્રાઈક કરીને લીધો હતો. વાયુસેનાના લડાકૂઓ તાબડતોડબ બાલાકોટમાં આતંકવાદી અડ્ડાઑ પર એરસ્ટ્રાઈક કરી અને કેટલાય આતંકવાદીઓને ઠાર કર્યા હતા.