રશિયાના કેફેમાં આગ લાગતા દોડધામ, 13ના મોત અને પાંચ ઘાયલ


રશિયાના કોસ્ટ્રોમા શહેરમાં શનિવારે એક કેફેમાં આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે. કોસ્ટ્રોમા પ્રદેશના ગવર્નર સર્ગેઈ સ્ટેનીકોવે જણાવ્યું હતું કે આગમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય પાંચને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કોસ્ટ્રોમા મોસ્કોથી લગભગ 340 કિલોમીટર ઉત્તરે આવેલું છે. અહીંની વસ્તી 2,70,000 છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈએ ફ્લેર ગનનો ઉપયોગ કર્યા પછી કેફેમાં આગ લાગી હતી.
કાફેમાં બોલાચાલી થઈ હતી
રશિયન મીડિયા અનુસાર, આગ લાગવાના થોડા સમય પહેલા કેફેમાં ઝઘડો થયો હતો. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ફ્લેર ગનના ઉપયોગ સાથે સંબંધિત હતું કે કેમ ? એક શંકાસ્પદને કથિત રીતે ફ્લેર ગનનો ઉપયોગ કરવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કાફેના ડાયરેક્ટરની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઘટનામાં બચાવકર્મીઓએ 250 લોકોને કાફેમાંથી બહાર કાઢ્યા હતા. આગ દરમિયાન કાફેની છત તૂટી પડી હતી. જે 3500 ચોરસ મીટરથી વધુ વિસ્તારને આવરી લે છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને એક આરોપીની ધરપકડ કરી છે.