ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળમાં 6.4 તીવ્રતાના ભૂકંપથી તબાહી સર્જાઈ, 128નાં મૃત્યુ

Text To Speech

કાઠમંડુ: નેપાળમાં શુક્રવારની મોડી રાત્રે 6.4ની તીવ્રતાના ભૂકંપ બાદ ઓછામાં ઓછા 128 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. નેપાળના વડાપ્રધાને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતના ઉત્તરી રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ભૂકંપના કારણે નેપાળના ઘણા જિલ્લાઓ તબાહ થઈ ગયા હતા. ભૂકંપ દરમિયાન ઘણી ઇમારતો ધરાશાયી થઇ હતી.

શુક્રવારે મધ્યરાત્રિ પહેલા ઉત્તર-પશ્ચિમ નેપાળના જિલ્લાઓમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપમાં હજુ લોકો કાટમાળ નીચે દટાયેલા છે. રાહત- બચાવકર્મીઓએ પહાડી ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ શનિવારની શરૂઆતમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની સંભાવના છે કારણ કે ઘણી જગ્યાએ કનેક્ટિવિટી તૂટી ગઈ હતી. જ્યારે ચારેબાજુ તબાહીના દ્રશ્યો સર્જાયા છે. નેપાળમાં 2015માં આવેલા વિનાશકારી ભૂકંપે 9 હજારથી વધુનાં જીવ લીધા હતા.

ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે તેના આંચકા ભારતની રાજધાની નવી દિલ્હીમાં 800 કિલોમીટર દૂર સુધી પણ અનુભવાયા હતા. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભારતમાં આના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપ બાદ દિલ્હી, લખનૌ, પટણા અને અન્ય સ્થળોએ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. તેમજ ગભરાયેલા દેખાતા હતા.

આ પણ વાંચો: ઇન્ડોનેશિયાની ધરતી ફરીવાર ધ્રુજી, 6.1 તીવ્રતાના ભૂકંપથી ઈમારતોને નુકસાન

Back to top button