ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: મફતમાં થશે પશુઓની સારવાર, સરકારે શરૂ કરી આ સુવિધા

ગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્ય સેવાઓના વિસ્તૃતિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં 127 નવા ફરતા પશુ દવાખાનાઓ મંજુર કરવામાં આવ્યા છે. જે રાજ્યના 1270થી વધુ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠાં પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ થશે. જેથી પશુઓની આરોગ્યમાં વધુ સુધારો થતા દૂધ ઉત્પાદન વધશે અને પરિણામે રાજયના પશુપાલકો ની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે તેમ પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

460 જેટલા ફરતા પશુ દવાખાના

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં હાલમાં શહેરી વિસ્તારમાં 37 “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ- 1962” તથા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ 460 જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK- EMRI મારફતે વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” દ્વારા રાજ્યના કુલ 31 શહેરોમાં નધણિયાતા પશુઓને ઇમરજન્સી ધોરણે સારવાર આપવામાં આવે છે જ્યારે 460 મોબાઇલ પશુ દવાખાના થકી રાજ્યના 5298 ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠા પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

mobile animal hospitals
mobile animal hospitals

પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલનું નિવેદન

મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારના સફળ અમલીકરણના ધોરણે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફરતા પશુ દવાખાનાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ખરીદી સહિતના કેપિટલ ખર્ચ માટે 100 ટકા સહાય જયારે કે એકમો ચલાવવા માટેના ઓપરેશન ખર્ચના 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજય સરકારન ધોરણે સહાય આપવામાં આવે છે.

 

127 નવા ફરતા પશુ દવાખાના

પ્રાપ્ત માહિતી પ્રમાણે અગાઉના 37 “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1692” તેમજ 460 ફરતા પશુદવાખાના ઓના ધોરણ મુજબ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે વધુ 127 ફરતા એકમો પણ કાર્યરત કરવામાં આવશે. 127 નવા ફરતા પશુ દવાખાના માટે કેપિટલ ખર્ચ પેટે રૂ. 8.98 કરોડ જયારે ઓપરેશન ખર્ચ માટે દર વર્ષે રૂ. 17 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે. કુદરતી અને માનવ સર્જીત આફતના સમયમાં પણ આ એકમો દ્વારા અવિરત સેવાઓ આપવામાં આવશે.

Back to top button