ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત રાજ્યમાં ગરમીને લીધે 7 દિવસમાં 122 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા

Text To Speech
  • છેલ્લા કેટલાક દિવસોથી અંગ દઝાડતી ગરમીએ કેર વર્તાવ્યો
  • અઠવાડિયામાં ગરમીને લગતી વિવિધ બીમારીમાં 1,370 જેટલા લોકો બીમાર પડયા
  • રાજ્યમાં અઠવાડિયામાં સૌથી વધુ 1060 કોલ્સ ભારે તાવના આવ્યા

ગુજરાત રાજ્યમાં ગરમીને લીધે 7 દિવસમાં 122 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે. જેમાં ગરમીના કારણે 1,370 દર્દીને સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. ગરમીથી ચક્કર ખાઈને પડી જવાના 53 કોલ્સ આવ્યા છે. તેમજ ઝાડા ઊલટીના 102 કેસ સાથે રાજ્યમાં અઠવાડિયામાં સૌથી વધુ 1060 કોલ્સ ભારે તાવના આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે 10 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ 

છેલ્લા કેટલાક દિવસોથી અંગ દઝાડતી ગરમીએ કેર વર્તાવ્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અંગ દઝાડતી ગરમીએ કેર વર્તાવ્યો છે, છેલ્લા એક અઠવાડિયામાં ભારે ગરમીના કારણે 122 જેટલા લોકો હિટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે, જેમાં જે તે વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે સારવાર માટે દાખલ કરવા પડયા છે, 26મી મે ના રોજ હિટ સ્ટ્રોકના નવા 18 દર્દી સામે આવ્યા છે. એકંદરે અઠવાડિયામાં ગરમીને લગતી વિવિધ બીમારીમાં 1,370 જેટલા લોકો બીમાર પડયા છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના સૂત્રોના કહેવા પ્રમાણે, 22મી મે થી હિટ સ્ટ્રોકના કેસમાં અચાનક વધારો થયો છે, 22મીએ હિટ સ્ટ્રોકના 14 કેસ હતા, એ પછી 23મી મે એ વધીને 22, એ જ રીતે 24મીએ 28, 25મીએ 24 અને 26મી મે ના રોજ 18 કેસ સામે આવ્યા હતા.

રાજ્યમાં અઠવાડિયામાં સૌથી વધુ 1060 કોલ્સ ભારે તાવના આવ્યા

રાજ્યમાં અઠવાડિયામાં સૌથી વધુ 1060 કોલ્સ ભારે તાવના આવ્યા હતા, ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવાના 53 કોલ્સ આવ્યા છે. અઠવાડિયામાં ઝાડા ઊલટીને લગતા 102 કેસ, પેટમાં દુખાવાના 11 કેસ, માથાના દુખાવાના 3, અન્ય તકલીફના 19 કોલ્સ આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં ગરમીના કારણે બીમાર પડનારા 463 લોકોને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. 26મી મે એ 68 દર્દીને હોસ્પિટલે ખસેડાયા હતા, અમદાવાદમાં 19મી મે થી 26મી મે સુધીના અરસામાં ભારે તાવના 351, હિટ સ્ટ્રોકના 49, ઝાડા ઉલટીના 35, ચક્કર ખાઈને પડી જવા કે બેભાન થવાના 14 કોલ્સ મળ્યા છે.

Back to top button