2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમને 1,206 કરોડ ખોટની ધારણા છે. જેમાં જર્ક સમક્ષ ભાવ નિર્ધારણની પિટિશનમાં સંભવિત ખોટ જણાવવામાં આવી છે. તેમાં સૌથી વધુ ખોટ પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશનની 425 કરોડ દર્શાવાઈ છે. તથા મધ્ય ગુજરાત વીજકંપની-એમજીવીસીએલની રૂ. 146 કરોડ ખોટ રહેવાની ધારણા દર્શાવાઈ છે.
આ પણ વાંચો: અમૂલમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. સોઢીની મુશ્કેલીઓ વધશે, જાણો શું છે કારણ
સરકાર પાસેથી ખેતીવાડી ક્ષેત્ર માટે મળનારી રૂ. 1,100 કરોડની સબસિડી સામેલ
રસપ્રદ એ છે કે, 2023-24ના અંતે જે આ સૂચિત ખોટ દર્શાવાઈ છે તેમાં વર્ષ દરમિયાન FPPPA યાને ફ્યૂઅલ સરચાર્જમાં યુનિટદીઠ થનારો 70 પૈસાનો વધારો પણ ગણી લેવાયો છે. ફ્યૂઅલ સરચાર્જની બેઝ કિંમત હાલ યુનિટ રૂ. 1.90 છે, પણ વસૂલાય છે રૂ. 2.60, હવે રૂ. 2.60 ફ્યૂઅલ સરચાર્જની બેઝ પ્રાઇસ થશે અને વાસ્તવિક વસૂલાત યુનિટદીઠ રૂ. 3.30 થશે. વર્ષ 2023-24માં જીયુવીએનએલની સૂચિત કુલ આવક રૂ. 70,783 કરોડ દર્શાવાઈ છે, જેમાં ટેરિફ દરથી થતી આવક રૂ. 42,614 કરોડ, ફ્યૂઅલ સરચાર્જ રૂ. 2.60 લેખે થનારી આવક રૂ. 26,281 કરોડ, અન્ય આવકો રૂ. 7.87 કરોડ તથા સરકાર પાસેથી ખેતીવાડી ક્ષેત્ર માટે મળનારી રૂ. 1,100 કરોડની સબસિડી સામેલ છે. આની સામે 2023-24ના અંતે કુલ રૂ. 71,990 કરોડનો ખર્ચ રહેવાની ધારણા દર્શાવાઈ છે, જેમાં વાસ્તવિક એકત્રિત મહેસૂલ જરૂરિયાત-એઆરઆર રૂ. 69,607 કરોડ રહેવાની શક્યતા વ્યક્ત થઈ છે. સરકારી વીજકંપનીઓના 2023-24 માટે નવાટેરિફ રેટ પહેલી એપ્રિલથી અમલમાં આવશે, જે 31 માર્ચ સુધીમાં જર્ક દ્વારા મંજૂર કરાશે.
જર્ક સમક્ષ કરેલી પિટિશનમાં ચાર સરકારી વીજ વિતરણ કંપનીઓની ખોટ દર્શાવી
ગુજરાત સરકારની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિમગ લિમિટેડ-જીયુવીએનએલએ 2023-24ના ભાવ નિર્ધારણ અંગે જર્ક સમક્ષ કરેલી પિટિશનમાં ચાર સરકારી વીજ વિતરણ કંપનીઓની 2022-23ની સૂચિત કુલ રૂ. 1,206 કરોડ ખોટ દર્શાવી છે, જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની-પીજીવીસીએલની રૂ. 425 કરોડ, ઉત્તર ગુજરાત વીજકંપની-યુજીવીસીએલની રૂ. 323 કરોડ, દક્ષિણ ગુજરાત વીજકંપની-ડીજીવીસીએલની રૂ.312 કરોડ અને મધ્ય ગુજરાત વીજકંપની-એમજીવીસીએલની રૂ. 146 કરોડ ખોટ રહેવાની ધારણાદર્શાવાઈ છે.