કચ્છ પંથકમાં ભેદી તાવથી 12 લોકોના મૃત્યુ : રાજ્ય સરકાર એક્શનમાં
અમદાવાદ, 8 સપ્ટેમ્બર : કચ્છ પંથકમાં છેલ્લા 4 દિવસમાં ભેદી તાવના લીધે 12 લોકોના મૃત્યુ થયા છે. જેના લીધે રાજ્ય સરકાર પણ દોડતી થઈ છે. બીજી બાજુ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. જાણવા મળી રહ્યું છે કે, લખપત તાલુકામાં વરસાદ બાદ તાવના લીધે સાત ગામના 12 વ્યક્તિઓના 4 દિવસમાં મોત થતાં અને અન્ય લોકો તાવમાં પટકાયા હોવાની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને જિલ્લા પંચાયત કચ્છના મહિલા સદસ્યાએ લેખિત રજૂઆતને પગલે તંત્રને જાણ કરાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
મૃત્યુ પામનારા લોકોના નામની વિગત
આ ભેદી તાવમાં મરણ પામનારામાં તા. 3 ના બેખડાના શકુર જત (ઉ.વ.22), તા. 4ના જુણસ (ઉ.વ. 18), મુસ્તાક (ઉ.વ. 18) તા.પના સુલેમાન (ઉ.વ. 50), તા. 6 ના બેખડાના આયનાબાઈ (ઉ.વ. 5), સાન્ધ્રોના આદમ જત (ઉ.વ. 11) ભરાવાંઢના લતીફ (ઉ.વ. 13), લાખાપરના એજાજ સુમરા (ઉ.વ. 7) તા. 7ના મોરગરના મુકીમ જત (ઉ.વ. 48) મેડીના અબ્દુલ્લા (ઉ.વ. 30) વાલાસરીના શકીનાબાઈ ઈબ્રાહીમ જત (ઉ.વ. 32) અને શકીનાબાઈ સાલેમામદ જત (ઉ.વ. 12)નો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયતના સભ્યએ સરકારને પત્ર લખ્યો
દરમિયાન જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા આરોગ્ય મંત્રી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ આરોગ્યની ટીમો દોડતી કરવામાં આવી છે. જો કે, સ્થાનિકે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મૃત્યુ અંગે અલગ – અલગ રિપોર્ટ અને કારણ હોવાની પ્રાથમિક વિગતો હોવાનું તંત્ર અંદરખાને કહે છે. બીજી તરફ, લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારી કહે છે કે, મૃતકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ રોગચાળા અંગે ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાશે.