પૂર્વ ડે. CM અને રૂપાણી સરકારના બે મંત્રીએ જ સરકારી બંગલા ખાલી કર્યા છે. જેમાં ઉત્તરાયણ બાદ 4 મંત્રી સર્કિટ હાઉસ છોડશે. તેમજ ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારના 7 પૂર્વ મંત્રીઓએ બંગલા માંગ્યા છે. તેથી રૂપાણી સરકારના 16 પૈકી 12ને ઝડપથી બંગલા ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
મંત્રીપદ મળતા તેઓ મંત્રી નિવાસમાં રહેવા જતા રહ્યા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગતવર્ષે ડિસેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ સરકારી બંગલા ખાલી કરીને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી છે. પરંતુ, રૂપાણી સરકારના 16 જેટલા પૂર્વ મંત્રીઓએ હજી સુધી બંગલા ખાલી કર્યા નથી. જ્યારે કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડને સવા વર્ષ બાદ ફરીથી મંત્રીપદ મળતા તેઓ મંત્રી નિવાસમાં રહેવા જતા રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં 112 બ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી, જાણો શું છે કારણ
રૂપાણી સરકારના 16 પૈકી 12ને ઝડપથી બંગલા ખાલી કરવા આદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકારના 16 મંત્રીને મંત્રી નિવાસમાં બંગલા ફાળવી દેવાયા છે. જો કે, તે પૈકી કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયા, રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, પ્રફુલ પાનસેરિયા અને ભીખુસિંહ પરમાર ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રહે છે. જેઓ ઉત્તરાયણ બાદ મંત્રી નિવાસમાં રહેવા જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી સવા વર્ષની સરકારમાં રહેલા મંત્રીઓ પૈકી નવી સરકારમાં જેમને પડતા મુકાયા છે તે જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, નરેશ પટેલ, અર્જૂનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી સહિત સાતેક પૂર્વ મંત્રીઓએ પણ બંગલા માંગ્યા છે. જેના કારણે રૂપાણી સરકારના 16 પૈકી 12ને ઝડપથી બંગલા ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે.