ટ્રેન્ડિંગનેશનલ

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં 12ના મોત, અનેક ઇજાગ્રસ્ત

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં શનિવારે પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મોટા પાયે હિંસામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તો અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે.

આને વર્ષ 2018ની ચૂંટણીમાં 10 મૃત્યુનો આંકડો પાછળ છોડી દીધો છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે મોટા પાયે હિંસક અથડામણો ઉપરાંત આગચંપી, બૂથ કેપ્ચરિંગ અને બોગસ વોટિંગની સેંકડો ફરિયાદો પણ સામે આવી છે.

ચૂંટણી પંચના ડેટા અનુસાર, મોટા પાયે હિંસા વચ્ચે સાંજે 5 વાગ્યા સુધી 66.28 ટકા મતદાન થયું હતું.

બિન-સરકારી સૂત્રોએ ઓછામાં ઓછા 15 લોકોના મોતનો દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ 26 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.

રાજ્યના ચૂંટણી કમિશનર રાજીવ સિન્હાએ બપોરે પત્રકારો સાથે વાત કરતા ત્રણ મોતોની પુષ્ટિ કરતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની છે, કમિશનનું કામ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવાનું છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

સૌથી વધુ હિંસા મુર્શિદાબાદ જિલ્લામાં થઈ છે. આ સિવાય નાદિયા, કૂચબિહાર, માલદા, બર્દવાન, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં પણ હિંસક ઘટનાઓમાં લોકોના મોત થયા છે.

સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓએ હિંસાની ઘટનાઓ માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપે કેન્દ્રને આ મામલે હસ્તક્ષેપ કરવા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે.

ભાજપના કાર્યકરોએ રાજ્ય ચૂંટણી પંચની ઓફિસ સામે હિંસાનો વિરોધ પણ કર્યો હતો. બીજી તરફ રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ આ હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આજે ઉત્તર 24 પરગણા અને નાદિયા જિલ્લાના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી.

પશ્ચિમ બંગાળમાં ત્રિ-સ્તરીય પંચાયત વ્યવસ્થા હેઠળ, ગ્રામ પંચાયતોની 63,229 બેઠકો, પંચાયત સમિતિઓની 9,730 બેઠકો અને 22 જિલ્લા પરિષદોની 928 બેઠકો એટલે કે કુલ 73,887 બેઠકો માટે મતદાન થયું હતું. તેમાંથી 9,013 બેઠકો પર ચૂંટણી લડનારા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

આ પણ વાંચો- તિબ્બતની આઝાદી માટે લડતા દલાઇ લામા બોલ્યા- “અમે ચીનનો હિસ્સો બનીને રહેવા તૈયાર”

Back to top button