ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુમાં ફટાકડાના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા 12ના મૃત્યુ

  • કર્ણાટકના બેંગલુરુમાં ફટાકડાના વેરહાઉસમાં ભીષણ આગ
  • આગ લાગવાની દુર્ઘટનામાં 12 લોકો જીવતા ભૂંજાયા
  • કેન્દ્ર સરકારે મૃતકના પરિજનોને 5-5 લાખ સહાયની કરી જાહેરાત

કર્ણાટકના બેંગલુરુમાં શનિવારે(7 ઓક્ટોબરે) મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં શનિવારે સાંજના સમયે બેંગલુરુમાં ફટાકડાના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આ ભીષણ આગ આખી દુકાનમાં ફેલાઈ ગઈ હતી. મળેલી માહિતી મુજબ, આ અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ થયા છે. આગ લાગવા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ ઘટનાનું શોક વ્યક્ત કર્યું હતું તેમજ CM ઘટનાસ્થળની મુલાકાત પણ લેવાના છે. કેન્દ્ર સરકારે મૃતકના પરિજનોને 5-5 લાખ સહાયની જાહેરાત કરી છે.

 

 

શું હતો સમગ્ર મામલો?

આગામી દિવાળીને ધ્યાનમાં રાખીને બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં અટ્ટીબેલે ખાતે વેરહાઉસમાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે એક લારીમાંથી ફટાકડા ઉતારવામાં આવી રહ્યા હતા. આ અકસ્માતમાં લગભગ 12 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી હતી અને  ઘણી મહેનત કરવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ફટાકડાના ગોડાઉનમાં લગભગ 20 કર્મચારીઓ હતા. અકસ્માત સમયે ચાર કર્મચારીઓ જીવ બચાવીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

 

 

રૂરલ એસપી અને પોલીસે શું જણાવ્યું ?

બેંગલુરુ રૂરલ એસપી મલ્લિકાર્જુન બાલાદંડીના જણાવ્યું મુજબ, “બાલાજી ક્રેકર્સ વેરહાઉસમાં કેન્ટર વાહનમાંથી ફટાકડા ઉતારતી વખતે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં દુકાન માલિક પણ દાઝી ગયો હતો.” પોલીસે જણાવ્યું કે, “આ દુર્ઘટના એથિબેલે બોર્ડર પર સ્થિત બાલાજી ક્રેકર્સ ફટાકડાના વેરહાઉસમાં થઈ હતી. તેના માલિકની ઓળખ નવીન તરીકે થઈ હતી. અકસ્માતમાં મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”

સીએમ સિદ્ધારમૈયાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. જેમાં CMએ કહ્યું કે, “બેંગલુરુ સિટી જિલ્લામાં આનેકલ નજીક ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી 12 લોકોના મૃત્યુ થયાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. હું આવતીકાલે(8 ઓક્ટોબરે) અકસ્માત સ્થળ પર જઈને તપાસ કરીશ.” મળતી માહિતી મુજબ, સીએમ સિદ્ધારમૈયા ઘટનાસ્થળની મુલાકાતે જવાના છે.

 

કર્ણાટક સરકારે આગની આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે શનિવારે(7 ઓક્ટોબરે) રાત્રે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી.

 

આ પણ જાણો :મધ્યપ્રદેશમાં કોંગ્રેસની યાદી આજે નહીં આવે, કમલનાથે કહ્યું- ‘આગામી 6-7 દિવસમાં નિર્ણય કરીશું’

Back to top button