સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હાલમાં સૌથી ખરાબ સ્થિતિ બોરસદ તાલુકામાં 12 ઈંચ વરસાદ ખાબકતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જ્યાં જુઓ ત્યાં બસ પાણી-પાણી.જેમાં સૌથી વધારે સીસ્વા અને કંસારી ગામ વધારે પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાક બાદ પણ કેડસમા પાણી છે.તો ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકશાન થયુ છે.
સીસવામાં આકાશી આફત વરસી
બોરસદ તાલુકાનુ સીસવા ગામ હાલ બેટમાં ફેરવાયુ છે,ત્યારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા 250 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.અહી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે. ઘર હોય કે દુકાન,ખેતર હોય કે ગામની અંદર સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તા પર નદીઓ વહી રહી છે. તો ગ્રામજનોએ પોતાના ઘરો પર આશરો લેવાની ફરજ પડી છે. નાગરિકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને ઘણું નુકસાન થયું છે.
આણંદ જિલ્લા પ્રશાસનના કોલને અનુસરીને વડોદરા (જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. ટીમના 6 જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સીસવા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે ડૂબી ગયેલી એક વ્યક્તિની શોધમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડવાથી નદી, નાળા અને તળાવ છલકાઈ ગયા છે. આણંદ જિલ્લાના બોરસદમાં ભારે વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
વડોદરા જિલ્લામાં હોડીઓ, રેઇન ગેઝ મીટર, તરાપા, ડિવોટરિંગ પમ્પ, બૂલડોઝર સહિતના સાધનસામગ્રીની સ્થિતિ પણ કલેક્ટરે સંબંધિત અધિકારી પાસેથી જાણી. તેમણે પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે આપત્તિના સમયે સારી રીતે સંકલન થાય એ બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો છે.