ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મરાઠા અનામત આંદોલનમાં 12 કરોડની સાર્વજનિક સંપત્તિને નુકસાન, 168ની ધરપકડ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતાં 12 કરોડ રૂપિયાની જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આંદોલનમાં બસો, સરકારી કચેરીઓ તથા અન્ય મિલ્કતોને આગચંપી તથા તોડફોડના બનાવોથી અત્યાર સુધીમાં ભારે નુકસાન થયું છે. રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન રાજકીય પક્ષોના કાર્યલય તેમજ ઘરોને પણ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. હિંસક વિરોધને જોતા અત્યાર સુધી 140થી પણ વધુ કેસ નોંધાયા છે જ્યારે 168 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની માહિતી મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠે આપી છે.

મરાઠા અનામત આંદોલનને લઈ રાજ્યમાં અલગ-અલગ સ્થળો પર પ્રદર્શનકારીઓ દેખાવો કરી રહ્યા છે. કેટલાક સ્થળો પર શાંતિપૂર્ણ દેખાવો થઈ રહ્યા છે જ્યારે અમુક સ્થળો પર સ્થિતિ બેકાબૂ બની છે. ડીજીપી રજનીશ સેઠના જણાવ્યા અનુસાર, ઘણી જગ્યાએ જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે. જાહેર સંપત્તિઓને નુકસાનના કિસ્સામાં 146 આરોપીઓને સીઆરપીસીની કલમ 41  હેટળ નોટિસ અપાઈ છે. આ ઉપરાંત, સમગ્ર મહારાષ્ટ્રમાં 141 કેસ નોંધાયા છે. કુલ 168 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

7000 હોમગાર્ડ જવાનો તૈનાત

ડીજીપીએ કહ્યું કે IPCની કલમ 307 હેઠળ 7 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સંભાજી નગર ગ્રામીણ, જાલના અને બીડમાં ઈન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. SRPFની 17 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય બીડમાં RCP અને 7000 હોમગાર્ડની ટુકડી તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હિંસક વિરોધ દરમિયાન 12 કરોડ રૂપિયાની સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે.

રાજ્યના પોલીસ અધિકારીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મરાઠા અનામતની માગને લઈને રાજ્યમાં થઈ રહેલા હિંસક વિરોધને જોતા બુધવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં બધાએ મળીને મનોજ જરાંગેને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી હતી. તે જ સમયે સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મનોજ જરાંગેને સરકારના પ્રયાસો પર વિશ્વાસ હોવો જોઈએ. મરાઠા સમુદાયને અનામત આપવા માટે તમામ પક્ષો એકમત છે.

આ પણ વાંચો: મરાઠા અનામત મુદ્દે તમામ પક્ષો સરકાર સાથે છેઃ એકનાથ શિંદે

Back to top button