અમદાવાદમાં માન્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 12 બોગસ તબીબ ઝડપાયા
- તબીબી સારવાર આપતા ક્લિનિકોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી
- બોગસ તબીબો પકડવા માટે ચેકિંગ કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવા સૂચના
- આગામી દિવસોમાં બોગસ ડોક્ટરો શોધી કાઢવા માટેની ઝુંબેશ સઘન બનાવાશે
અમદાવાદમાં માન્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 12 બોગસ તબીબ ઝડપાયા છે. તેમજ શહેરમાં 10 ક્લિનિક સીલ કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરના સાત ઝોનમાં માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા/ અધિકૃત પરવાનગી વિનાના દવાકાનામાં ઈનડોર સારવાર આપતા 12 બોગસ ડોક્ટરોને પકડી પાડયા છે અને 10 ક્લિનિક સીલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: માણેકચોકમાં આડેધડ કરાયેલા કમર્શિયલ બાંધકામ મામલે લેવાયો મોટો નિર્ણય
બોગસ તબીબો પકડવા માટે ચેકિંગ કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવા સૂચના
મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 1, ઉત્તર ઝોનમાં 1, દક્ષિણ ઝોનમાં 2 અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 3 સહિત કુલ 10 ક્લિનિક સીલ કરાયા છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા તા.22 ઓગસ્ટ, 2024ના રોજ બે ક્લિનિક સીલ કરવામાં આવ્યા હતા. AMC હેલ્થ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરો શોધી કાઢીને કડક પગલાં લેવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના સ્લમ વિસ્તારો અને મ્યુનિસિપલ હદમાં સમાવેશ કરાયેલા વિસ્તારોમાં માન્ય ડિગ્રી વિનાના બોગસ તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને આ અંગેની ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બોગસ તબીબો પકડવા માટે ચેકિંગ કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવા સૂચના આપી હતી.
આગામી દિવસોમાં બોગસ ડોક્ટરો શોધી કાઢવા માટેની ઝુંબેશ સઘન બનાવાશે
સૂત્રોના જણાવ્યાનુસાર, મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા તા.6 સપ્ટેમ્બરના રોજ શહેરના 7 ઝોનના જુદા જુદા વોર્ડમાં તબીબી સારવાર આપતા ક્લિનિકોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તબીબની એલોપેથિક ડિગ્રી માન્ય છે કે નહીં, તબીબના નામે ક્લિનિક છે કે નહીં, જે ડોક્ટરના નામે ક્લિનિક છે તે સારવાર આપે છે કે તેના સ્થાને અન્ય કોઈ અનધિકૃત વ્યક્તિ સારવાર આપીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે, તે અંગે તપાસ હાથ ધરાઈ હતી. હેલ્થ વિભાગના ચેકિંગમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા અને અધિકૃત પરવાનગી વિના દવાખાનામાં દર્દીઓને દાખલ કરીને ઈનડોર સાવાર આપતા અને IV ફ્લુઈડ તેમજ એલોપેથિક ઈન્જેક્શનનો ઉપયોગ કરતા 12 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા હતા. આવા ક્લિનિકને સીલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બોગસ ડોક્ટરો શોધી કાઢવા માટેની ઝુંબેશ સઘન બનાવાશે.