ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઈરાને દેશના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં 12 બલોચ કેદીઓને ફાંસી આપી છે. એક NGOએ આ જાણકારી આપી છે. ઈરાનમાં સતત ફાંસીને લઈને માનવાધિકાર સંગઠનોની ચિંતા વધી ગઈ છે. ઈરાન દ્વારા ફાંસી આપવામાં આવેલા 12 કેદીઓમાંથી 11 પુરૂષ અને 1 મહિલા કેદી છે. આ તમામ પર ડ્રગ્સની દાણચોરી કે હત્યાનો આરોપ છે.
મળતી માહિતી પ્રમાણે, આ તમામ લોકોને સોમવારે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતની મુખ્ય જેલ ઝાહેદાનમાં ફાંસી આપવામાં આવી હતી. ઈરાનનો આ પ્રાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલો છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સે આ જાણકારી આપી છે. આ તમામ બાળકો હતા અને સુન્ની સમુદાયના હતા. ઈરાનમાં મોટાભાગના લોકો શિયા ધર્મના અનુયાયીઓ છે. આ 12 લોકોમાંથી 6 લોકોને ડ્રગ સંબંધિત આરોપોમાં ફાંસીની સજા આપવામાં આવી છે.
ઈરાનમાં વર્ષ 2021માં 333 લોકોને ફાંસી આપવામાં આવી છે, આ ઉપરાંત હત્યાના આરોપમાં 6 લોકોને ફાંસી આપવામાં આવી છે. ઇરાની સત્તાધીશો સહિત સ્થાનિક મીડિયા આ વાતની પુષ્ટિ કરતું નથી. જે મહિલાને ફાંસી આપવામાં આવી છે તેની માત્ર અટક ગાર્ગીઝની ઓળખ થઈ શકી છે. તેની વર્ષ 2019માં તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. માનવાધિકાર કાર્યકર્તાઓ લાંબા સમયથી ઈરાનમાં મૃત્યુદંડ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
માનવાધિકાર કાર્યકરો કહે છે કે, ઈરાન અપ્રમાણસર રીતે વંશીય અને ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવી રહ્યું છે. તેમાં ખાસ કરીને કુર્દ, બલોચ અને આરબોનો સમાવેશ થાય છે. ઈરાનમાંથી એકત્ર કરાયેલા આંકડા દર્શાવે છે કે, વર્ષ 2021માં ઈરાનમાં કુલ ફાંસીની સજામાંથી 21 ટકા બલોચ લોકો હતા. ઈરાનમાં 2021માં ઓછામાં ઓછા 333 લોકોને ફાંસી આપવામાં આવી હતી. જે વર્ષ 2020 કરતા 25 ટકા વધુ છે.