બનાસકાંઠા જિલ્લાના 1134 પશુપાલકોને 12.32 કરોડ રૂપિયાની સહાયના ચેકનું કરાયું વિતરણ
- બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે 12 દુધાળા પશુ યોજના હેઠળ ચેક અપાયા
- જિલ્લામાં થશે કુલ 6996 નવા દુધાળા પશુઓનો વધારો
પાલનપુર : એશિયામાં પશુપાલન ક્ષેત્રે બનાસ ડેરી થકી બનાસકાંઠા જિલ્લો અવ્વલ નંબરે છે, જેમાં દૈનિક 85 લાખ લીટર કરતા પણ વધુ દૂધનું સંપાદન થાય છે. ત્યારે આ આંકડો હજુ પણ વધે, વધુ લોકો સ્વરોજગારી રૂપે પશુપાલનનો વ્યવસાય શરુ કરી શકે અને ઉચ્ચ ઓલાદો રાખીને વધુ દૂધનું ઉત્પાદન કરી શકે તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના હસ્તે સણાદર સંકુલ ખાતે 12 દુધાળા પશુ સહાય યોજના અંતર્ગત 1134 પશુપાલકોમાં કુલ 12.32 કરોડ રૂપિયા સહાય રૂપી ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે બનાસ ડેરી પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ઉત્તરોત્તર અતૂટ બની રહ્યો છે, તેની પાછળનું કારણ બનાસ ડેરી દૂધના સૌથી વધુ ખરીદ ભાવ, ભાવ વધારો અને નફો આપે છે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી એ સણાદર સંકુલ ખાતે ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયને આગવું મહત્વ આપી, પશુપાલનને ગ્રામ્ય રોજગારીનો આધારસ્તંભ બનાવી ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાંકીય પ્રોત્સાહન થકી પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવા 12 દુધાળા પશુ સહાય ચેકનું વિતરણ કર્યું હતું. જિલ્લાના કુલ 1134 પશુપાલકોમાં 12.32 કરોડ રૂપિયાની સહાયના ચેકનું વિતરણ કરાયું હતું, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કુલ 6996 દુધાળા પશુઓનો વધારો થશે. ચેરમેન એ વધુ સારી ગુણવત્તાવાળી પશુ ઓલાદ અને પશુપાલન વ્યવસાય શરુ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ વર્ષે બનાસ ડેરીએ સૌથી વધુ આશરે 85 લાખ લીટર દૂધનું સંપાદન કર્યું હતું, ડેરીનું ભવિષ્યનું લક્ષ્ય 1 કરોડ લીટર દૂધનું સંપાદન કરવાનું છે. જેના માટે બનાસકાંઠામાં પશુપાલન વ્યવસાય સાથે વધુને વધુ લોકોને જોડવા 12 દુધાળા પશુ યોજના તેમજ સરકારી અને બનાસ ડેરીની યોજનાઓ અંતર્ગત સહાય પુરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં એલિવેટેડ બ્રીજ નીચે ખાડા અને થીગડાવાળા રોડથી વાહન ચાલકો પરેશાન