પાટડી ખાતે 11મી માલધારી સાંસદ ભરાઈ, સમાજ દ્વારા 12 મુદ્દાઓની રાજ્ય કક્ષાએ માંગણી કરવામાં આવી
- છેલ્લા દસ વર્ષથી યોજાય છે માલધારી સાંસદ.
- સંગઠનની શરુઆત માલધારી સમુદાયને વિકાસના પંથે લઈ જવા કરવામાં આવી હતી.
- સાંસદમાં સમાજના પશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે.
માલધારી સમુદાયનાં લોકોની ઓળખ માલ આધારિત ભવ્ય સંસ્કૃતિ થકી સદીઓથી અસ્તિત્વ ધરાવે છે. આજીવિકા જ નહિ પરંતુ માલને મોભો માનનારા, એક અલગ ખુમારી સાથે જીવનાર, કુદરતનું જતન કરનાર અને માલધારીયતને ટકાવતા માલધારી સમુદાય માટેનાં પડકારો હાલમાં વધી રહ્યા છે. એવામાં માલધારી વિકાસ સંગઠન સંસ્થાની શરૂઆત માલધારી સમુદાયનાં વિકાસ અને ઉત્થાન કાર્ય કરવા માટે કરવામાં આવી છે. માલધારી સમુદાયનાં દરેક લોકોનું અસ્તિત્વ અને સન્માન જાળવવા માટે આ સંસ્થા છેલ્લા એક દશકા કરતાં પણ વધારે સમયથી કાર્યરત છે. જેમાં કોઈ પણ પક્ષ, પંથ, પગરણા કે ધર્મનાં ભેદને ભૂલીને માલધારીયત અને સમુદાયને મજબુત કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.
આ પણ વાંચો: જો ભુલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો આટલું કરો
માલધારીઓના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય અસ્તિત્વ અને સન્માન જળવાઈ રહે તે માટે છેલ્લાં દસ વર્ષથી માલધારી સાંસદ ભરાય છે, આ વર્ષની ૧૧મી માલધારી સાંસદ 25 જૂન, 2023 રવિવારનાં રોજ પાટડી ખાતે માલધારી વિકાસ સંગઠન દ્વારા રાખવામાં આવી હતી. જેમાં માલધારી સમુદાયનાં યુવાનો દ્વારા, માલધારી સમુદાય માટે માલધારી સાંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માલધારી સંસ્કૃતિ, હાલનાં સમયમાં માલધારીઓને લગતા પ્રશ્નો અને તેને ઉકેલવા માટેની રણનીતિઓ માટેની આ સંસદમાં ગુજરાતનાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાંથી માલધારી સમુદાયનાં લોકો વડે આ સાંસદમાં થયેલી વિવધ ચર્ચાઓમાં ભાગ લેવામાં આવ્યો હતો.
માલધારી વિકાસ સંગઠનનાં પ્રમુખ કરણભાઈએ માલધારી સાંસદને સંગઠનનો અર્થ અને મહત્વ સમજાવતા કહ્યું કે, “કોઈ પણ સંગઠનનું કામ જે-તે સમાજનાં લોકોને એકત્રિત કરવાનુ છે. જેથી સમાજનાં લોકો એકબીજાનો હાથ પકડીને મદદ કરે.”
આ પણ વાંચો: એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ અનેક વખત વિદ્યાર્થીઓને ઇમોશનલ થઇને કહ્યું કે, ભઇ આનાથી દૂર રહેજો
- માલધારી વિકાસ સંગઠનનું મહત્વનું કાર્ય માલધારીઓની માલધારીયત, સંસ્કૃતિ અને સંસ્કારને ટકાવવાનું છે તથા સંસ્થા પોતાના આ પ્રશ્નો વૈશ્વિક સ્તરનાં માલધારી સમુદાય સામે લઇ જાય અને પ્રશ્નોનું નિરાકરણ મેળવે છે.
આ સાથે જ માલધારી સંસદમાં સુરજબેને સંગઠનમાં મહિલાનાં જોડાણ વિષે વાત કરતા કહ્યું કે, ગામની મહિલાઓએ મને એમ કહ્યું કે સંસ્થામાં જોડાય પહેલા કુવામાંના દેડકાં સમાન હતાં પણ સંસ્થામાં જોડાયા પછી ઘણું શીખવા મળ્યું. આજે ગામની સ્ત્રીઓને પોતાના ખેડૂત તરીકેના તથા વારસાઈનાં હકનું જ્ઞાન છે. ઘણી મહિલાઓએ ખેતરમાં સજીવ ખેતી કરવાનુ પણ ચાલુ કર્યું છે.
-
આ કાર્યક્રમમાં વિવધ ચર્ચાઓ કર્યા બાદ રાજ્ય કક્ષાએ 12 અલગ-અલગ માંગણીઓ કરવામાં આવી છે.
1. ગામના ગૌચરની માપણી થાય અને ગૌચરનો કબ્જો માલધારીઓને સોંપવામાં આવે. (સરકાર ઠરાવ મુજબ 100 પશુએ 40 એકર ગૌચર)
2. વન અધિકાર કાયદા અંતર્ગત માલધારીઓને હક તથા વ્યક્તિગત અને સામૂહિક અધિકાર મળે.
૩. પશુ રાખવાના વાડાઓ માલધારીઓના નામે થાય અને દરેક ગામમાં વાડા રજીસ્ટર નિભાવવામાં આવે.
4. માલધારીઓને ખેડૂત ખાતેદારનો હક મળે અને તે માટે માલધારી તરીકે નો દાખલો મળે.
5. ગોપાલક મંડળીઓને સક્રિય કરવી અને તેને મતનો અધિકાર આપવો.
6. ગોપાલક વિકાસ નિગમમાં 1000 કરોડનું બજેટ ફાળવવામાં આવે.
7. ગૌચર વિકાસ નીતિ 2015 ને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે.
8. શહેરમાં રહેતા માલધારીઓના પશુને પકડવાના તથા માલધારી પાસેથી લેવાતો પશુનો દંડ સંપૂર્ણ બંધ થાય.
9. દૂધ સંઘો દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 8 રૂપિયા વધારો કરે અને ખાણદાણના ભાવમાં ઘટાડો કરવામાં આવે.
10. વિશેષ આજીવિકા સાથે જીવન જીવતા માલધારીઓને આર્થિક અને શૈક્ષણિક અનામત મળે.
11. 2024ની લોકસભા ચૂંટણીઓમાં દરેક પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં માલધારીઓના પ્રશ્નોને મૂકે અને માલધારી ઉમેદવારોને ત્રણ લોકસભા ટિકિટ આપવામાં આવે.
12. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) દ્વારા ઘોષિત કરાયેલ ચરીયાણ અને માલધારી આંતરરાષ્ટ્રીય વર્ષ 2026ની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવે.
આ દરેક વિગતોનો સમાવેશ પાટડી ઘોષણાપત્રમાં તૈયાર કરવામાં આવ્યો છે. માલધારી સાંસદમાં માલધારી સંસ્કૃતિ, હાલના સમયમાં માલધારીઓને લગતા પ્રશ્નો અને તેને ઉકેલવા માટેની રણનીતિઓ ઘડવા માટેનો આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજ દ્વારા માલધારી વિકાસ સંગઠનને સફળ બનવા માટે દર વર્ષે અથાગ પ્રયત્નોનો દોર આગળ ચલાવવાનો સાથે મળીને નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: શું જમ્યા પછી નહાવા જઈ શકાય?