અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના 115 જળાશયો 100% ભરાયા, નર્મદા ડેમમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ

Text To Speech

ગાંધીનગર, 04 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના ૫૫ ટકાથી વધુ એટલે કે ૨૦૬ જળાશયોમાંથી ૧૧૫ જળાશયો સંપૂર્ણ-૧૦૦ ટકા જ્યારે ૪૫ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૧૭ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૦ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.સરદાર સરોવર યોજનામાં હાલમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના ૨૦7 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

નર્મદા ડેમમાંથી 2.45 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૨.૩૫ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી જળાશયમાં ૧.૬૬ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૬૬ લાખની જાવક, ઉકાઈમાં ૧.૪૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૪૭ લાખની જાવક, કડાણા જળાશયમાં ૭૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૯૬ હજાર ક્યુસેક પાણીની જાવક તેમજ પાનમ જળાશયમાં ૨૩ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૨ હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

207 જળાશયોમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો
આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૮૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૨ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૮૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.

આ પણ વાંચોઃગુજરાતના આ શહેરમાં સિઝનનો 134 ટકા વરસાદ થઈ ગયો, હજુ અડધું ચોમાસુ બાકી

Back to top button