અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ભક્તકવિ દુલાભાયા કાગની આજે 114મી જન્મજયંતી

ગુજરાત, 25 નવેમ્બરઃ ગુજરાતના એક મહાન ભક્તકવિ દુલાભાયા કાગની આજે 114મી જન્મજયંતી છે. તદ્દન સામાન્ય પરિવારમાં જન્મેલા દુલાભાઈમાં ભક્તિ અને કવિતાનો દિવ્ય સંગમ હતો. અનેક દાયકા પછી આજે પણ તેમની રચનાઓ ગુજરાતના લોકગાયકો ગાય છે, નવા કવિઓ તેમની રચનાઓથી આજે પણ પ્રભાવિત થાય છે. આજની નવી પેઢીએ પણ દુલાભાયા વિશે જાણવું જોઈએ.

ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ. કવિતા અને વીરતા માટે પ્રસિદ્ધ ચારણ કોમમાં તેરમી સદીમાં થયેલા બીજલ કવિ એમના પૂર્વજ થાય. તેની છત્રીસમી પેઢીએ થયેલા ઝાલા કાગ ગીર છોડીને મજાદર આવીને વસેલા. તેમના દીકરા ભાયા કાગ, તે દુલાભાઈના પિતા. માતા ધાનબાઈ; આતિથ્ય સારુ રોજ પોણો મણ દળણું દળનાર અન્નપૂર્ણા.

પોર્ટ વિક્ટરની નિશાળમાં દુલાભાઈ પાંચ ગુજરાતી ચોપડી સુધી ભણ્યા. પીપાવાવ અને ઝોલાપરની સીમમાં તેર વર્ષની ઉંમરે દુલાભાઈ ગાયો ચારતા. ન પગમાં જોડા કે ન તો માથે પાઘડી ! બાપ મારતે ઘોડે સો ગાઉ ફરી વળે અને દીકરો દોહા-ચોપાઈમાં દિવસ વિતાવે.

દીકરાને ગણપતિની પૂજા કરતા જોતાં જ બાપે સંત મુક્તાનંદજીને સોંપ્યો. વિચારસાગર, પંચદશી, ગીતા મોઢે કર્યાં. પિંગળનો અભ્યાસ કરવાની ઇચ્છા પ્રગટ કરી અને ગુરુકૃપાએ પરજિયા ચારણ કવિ કાગની પ્રથમ સરવાણી ફૂટી સવૈયામાં, ફક્ત સત્તર વર્ષની ઉંમરે :

‘દોડત હૈ મૃગ ઢૂંઢત જંગલ, બંદ,
સુગંધ કહાં બન બાસે ?
જાનત ના મમ નાભિમેં હૈ બંદ,
ત્યુંહી બિચારી મન મૃગ ત્રાસે.’

નિજાનંદી દુલાભાઈ ડાયરામાં પોતાની કૃતિઓ લલકારતા. દુલાભાઈનો રાષ્ટ્રીય શાયર મેઘાણી સાથે દાદાભાઈ ગઢવીએ મેળાપ કરાવતાં કહ્યું, આ ‘ફાટેલ પિયાલાનો કવિ’. ધ્રાંગધ્રાના મહારાજાનું તેડું આવતાં જ કહી દીધું, ‘મારું એ કામ નહિ.’ પોતાને સાચી લાગે તે વાત કરવી. જરાય દુન્યવી દેખાડો નહિ. દુલાભાઈએ રાજકવિ થવાનું ટાળ્યું હતું.

આધ્યાત્મિકતાનો રંગ તો બાળપણથી જ લાગેલો. સનાતની સંસ્કારનો રંગ પાકો. સ્વાશ્રય, વ્રત, સત્સંગ રોજિંદા જીવનમાં વણાઈ ગયેલાં. પીપાવાવ અને તુલસીશ્યામ જેવાં તીર્થો સાથે દિલ જડાયેલું. પોતાની આસપાસની રૂઢિગ્રસ્ત જિંદગીમાં નવીન વિચારધારા પ્રવેશતાં જ તેમની કવિતા નવો રંગ ધારણ કરે છે. ઝડઝમકવાળા છંદો સાથે જ સરળ લોકઢાળો તેમણે અપનાવ્યા. સ્પર્શ્યાસ્પર્શ્ય અને માનવપ્રેમ, રાષ્ટ્રભાવના, માતૃભૂમિની વેદના, પ્રજાની જાગૃતિ વગેરે એમનાં ગીતોમાં ગૂંથેલી આખ્યાયિકાઓમાં સભર છે. ચારણના દિલની કવિતા દરબારી ખુશામત કરવાને બદલે રાષ્ટ્રના ઉત્થાનની પ્રહરી બની. તેમાં કવિની ભૂદાનભાવના ભળી. ભૂદાનપ્રવૃત્તિના અગ્રણી રવિશંકર મહારાજના પ્રભાવથી દુલાભાઈએ ૫૦ વીઘાં જમીન, ૧૦ હળ, ૧૦ બળદ, ૧૦૦ મણ અનાજ અને ૪૦૦ મણ ઘાસ ભૂદાનમાં આપ્યાં. તેમની આ ભવ્ય ત્યાગભાવનાએ ભૂદાનનાં સંખ્યાબંધ ગીતોને જન્મ આપ્યો. આમ કવિની દૃષ્ટિ નવાં બળોને પિછાને છે, કસે છે ને કાવ્યમાં મઢે છે.

દુલાભાઈ ભક્તકવિ છે. એમનાં ભજનોમાંના ઉદગારો સંસ્કૃત સાહિત્યનાં સુભાષિતો તથા સંસ્કૃત મહાકાવ્યોમાં નિરૂપાયેલ ભાવોને આંબતા દેખાય. દ્રૌપદીનું વસ્ત્રાહરણ, મેઘ અને મયૂર, ‘પગ ધોઈ નાવમેં પધારો રે નરના પતિ’માં ગંગાપારનો રામાયણનો પ્રસંગ વગેરે અંગેની રચનાઓએ જનહૃદયને પરિપ્લાવિત કરેલું છે. ગણપતિ, સરસ્વતી અને ગુરુની સ્તુતિઓ; માતૃશક્તિરૂપ જોગમાયા; અંબા, નંદરાણી, દાઢિયાળો બાવો (કૃષ્ણના દર્શનાર્થે આવેલ શંકર), રામરાજ્ય વગેરે અનેક કૃતિઓ કાગવાણીની અમૃતપ્રસાદી છે.

હજારોની સંખ્યાના એમના દુહામાં સાગરખેડુ ખારવાની વાત, કોઈ ધીંગાણું, કોઈ ખાનદાનનું ખોરડું, રાણા કુંવરની વિરહભરી વાત વગેરે અનેક તાજગીભર્યા પ્રસંગો તાદૃશ્ય થયેલા છે.

‘કાગવાણી’ના આઠ ભાગમાં દુહા, સવૈયા, છંદ, ભજનો, રામાયણ-મહાભારતના પ્રસંગો, ગાંધીભાવનાનાં ગીતો, ભૂદાનનાં ગીતો, રાસડા, ગરબા, લોકવાર્તાઓ ઇત્યાદિ જીવંત સ્વરૂપે લોકહૃદયને સ્પર્શે તેવી સામગ્રી છે.

કંઠ, કહેણી અને કવિતના આકર્ષણે કેવી અને કેટલી પ્રતિભાના સંપર્કમાં દુલાભાઈ આવેલા તે તો રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ, જવાહરલાલ, ઢેબરભાઈ, બળવંતરાય મહેતા, દરબાર વીરાવાળા, રવિશંકર મહારાજ, પંડિત સુખલાલજી, ગોકુળદાસ રાયચુરા, ઝવેરચંદ મેઘાણી, શામળદાસ ગાંધી, ધૂમકેતુ, જયભિખ્ખુ, જ્યોતીન્દ્ર દવે, મેરુભા ગઢવી વગેરેના ઉલ્લેખથી સ્પષ્ટ થઈ શકે છે.

૧૯૬૩માં પોતાના વતન મજાદરમાં ત્રણ ત્રણ દિવસ ગુજરાતના ૨૫૦ જેટલા સાક્ષરોની મંડળીને આ દરિયાવદિલના લોકકવિએ ભોજનરસ અને કાવ્યરસનો અવિસ્મરણીય આસ્વાદ કરાવ્યો અને વિદાયગીરીમાં એકેક કામળો પણ ઓઢાડ્યો.

કવિ કાગનો કંઠ શૌર્યકથાઓમાં બુલંદ બનતો, પ્રેમકથામાં શીળો, લગ્નગીતોમાં સરવો બનતો અને ભજનમાં ભૈરવીની ભભક લાવતો અને મરસિયા માંડે ત્યારે હૃદયનાં સાતે પડ ભેદીને કરુણની પરાકાષ્ઠાએ પહોંચી જતો. વળી રજૂઆત પોતાની કૃતિઓની હોય કે પછી પ્રસિદ્ધ મહાગ્રંથોમાંથી હોય પણ દુલા કાગ ક્યારેય નોંધ, પુસ્તક કે કશાયની સહાય લેતા નહિ. સ્મરણશક્તિ અદ્ભુત હતી.

ગુજરાતના બે સારસ્વતો મેઘાણી અને કાગ અસ્ખલિત કાવ્યધારાથી હજારોની જનમેદનીનાં હૈયાંને કલાકો સુધી રસતૃપ્ત કરતા. તે સહુના પ્રિય અને સહુના હિતકર્તા બનેલા. સૌજન્ય, બુદ્ધિચાતુર્ય, તાર્કિકતા, સ્વમાનીપણું જેવા ગુણો ઉપરાંત દેશદાઝ તો એવી કે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વખતે રતુભાઈ અદાણીની હાજરીમાં ‘ભગતબાપુ’એ પોતાની સુપુત્રીના હાથે ૧૫ તોલાનો સોનાનો હાર રાષ્ટ્રને ચરણે ધરી દીધેલો.
દુલા કાગ લોકકવિ, લોકનેતા, માનવસંબંધોના મરમી, આત્મસંયમના ઉપાસક, સામાજિક કાર્યકર્તા એમ બહુમુખી પ્રતિભા ધરાવતા. તેમની ઉપર શ્રી અને સરસ્વતીની મહેર હતી.

‘કાગવાણી’એ અનેક એકતારાઓને રણકતા રાખ્યા છે, સભાઓને સ્તબ્ધ બનાવી છે, અનેક રાત્રિઓને ભક્તિભાવથી પવિત્ર બનાવી છે.
૧૯૬૨ની ૨૬મી જાન્યુઆરીએ ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપેલો.

સૌજન્ય: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

પ્રસ્તુતિ :
———
કિશોર જિકાદરા

——————————————————————

કવિ દુલા ભાયા ‘કાગ’ નો સંક્ષિપ્ત પરિચય અને કેટલીક યાદગાર રચનાઓઃ

જન્મ. ૨૫ નવેમ્બર ૧૯૦૩, મહુવા પાસે સોડવદરી; અવસાન ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭, મજાદર, સૌરાષ્ટ્ર)

🔸️ચારણ(ગઢવી) પરિવારમાં જન્મ.
🔸️ઉપનામ : કાગ
🔸️પિતા: ભાયા ઝાલા કાગ
🔸️માતા: ધનબાઈ
🔸️ પાંચ ધોરણ સુધી અભ્યાસ.
🔸️પશુઓને ચરાવતાં ચરાવતાં અનેક પદ્ય રચ્યા.
🔸️તેઓશ્રીએ પોતાની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં આપી દીધી.
🔸️ હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતાઓની રચના માટે તેઓશ્રી જાણીતા છે.
🔸️શ્રી રતુભાઈ અદાણી સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળાનું નિર્માણ કર્યું.
🔸️તેઓશ્રીની કવિતાઓમાં રાષ્ટ્રત્વ ની છાંટ ઉપસી આવે છે.
🔸️વર્ષ ૧૯૬૨માં તેઓશ્રીને પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા.
🔸️કાગધામ ખાતે લોકગાયકો-લોકસાહિત્યકારો તેમજ સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રદાન કરનારને કવિ કાગ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવે છે.

👉સમાજમાં વ્યાપ્ત વિકૃત વિષમતાઓને ત્યજવા માટે સમાજનું પ્રબોધન કરતાં, ઈતિહાસમાં શ્રેષ્ઠ લોકોએ આચરેલા વ્યવહારનું નિરૂપણ કરતી તેઓશ્રીની એક રચના…

પગ ‘રોઈદાસ તણા ગંગાએ પખાળીયા રે…જી
બ્રહ્મનો કરાવ્યો મીરાંનેય ભાસ;
રસોઈ બનાવી તેદી ‘પાંડવોની રાણીએ રે…જી
એનો તમે કેમ ભૂલ્યા ઈતિહાસ?

[પાંડવોના યજ્ઞ વખતે ઋષિ,મુની વગેરે તમામ માણસો જમી રહ્યા, યજ્ઞની પૂર્ણાહુતિના ચિન્હ રૂપે રાખેલો પાંચજન્ય શંખ બોલ્યો નહિં. પછી કૃષ્ણના કહેવાથી ભીમ એક ચંડાળ ભક્તને હસ્તિનાપુર લઈ આવ્યો. સતી દ્રૌપદીએ સ્વહસ્તે રસોઈ બનાવી તેને જમાડ્યો કે તરત જ પાંચજન્ય શંખ બોલ્યો. (મહાભારત)]

👉 સમાનતા-એકાત્મતાની પરંનરા આપણી સંસ્કૃતિમાં છે તે સમજાવતી કવિ દુલાની એક રચના જોઈએ…

કળા અપરંપાર વાલા
એમાં પહોંચે નહિ રે વિચાર
એવી તારી કળા અપરંપારજી
અણું અણુંમાં ઈશ્વર તારો
ભાસે છે ભણકારજી
અણુમાં આખો વડ સંકેલ્યો
આવી તારી કળા અપરંપારજી.

આમ, ચરઅચર-અણુ અણુમાં ભગવાનનો વાસ છે આ આપણું ભારતીય સનાતન જીવનદર્શન કહે છે. માટે જ કવિ દુલા ભાયા સૌને જણાવે છે કે જો…..

ઊંચ ને નીચ ઈ તો મનડાની માન્યતા રે…જી
ઊંચ નીચ કી મિટી ન વિષમતા
વો ભક્તિ મેં ધૂર પરી.

તેમની શિક્ષકોને ઉદ્દેશીને રચના…
ઈતિહાસ કહ્યા તેં વિદેશ તણા,
ન કહ્યા ઈતિહાસ ભગીરથના;
પરદેશીની ટેક ઘણી શીખવી,
ન કહ્યા કોઈ નિશ્ચય ભીષમના.

કવિ દુલા ભાયા કહેવા માંગે છે કે દેશના નાગરિકોમાં સ્વાભિમાન અને આત્મગૌરવ જાગે તે માટે ભારતનો ઈતિહાસ બાળકોને શીખવો, વિદેશીઓનો નહિ.

આ પણ વાંચોઃ ભારતના મહાન વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની આજે પૂણ્યતિથિ, આવો જાણીએ એમના વિશે

Back to top button