જર્મની પાસે બાલ્ટિક સમુદ્રમાં મળી 11 હજાર વર્ષ જૂની દિવાલ
બાલ્ટિક સમુદ્ર, 15 ફેબ્રુઆરી : જર્મની નજીક બાલ્ટિક સમુદ્રમાં 70 ફૂટની ઊંડાઈએ 11 હજાર વર્ષ જૂની પથ્થરની દિવાલ મળી આવી છે. આ દિવાલ એક સમયે શહેરને ફરતે બનાવવામાં આવી હતી જે હવે દરિયામાં ડૂબી ગયું છે. જ્યારે વિજ્ઞાનિઓને તેનો નકશો મળ્યો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રાચીન દિવાલ લગભગ એક કિલોમીટર લાંબી હતી. આ તે સમયની દિવાલ છે જ્યારે આ જગ્યા પર રેન્ડીયરનો શિકાર કરવામાં આવતો હતો. ત્યારે આ દીવાલ સમુદ્રની બહાર જમીન પર હતી. દિવાલ પ્રાગૈતિહાસિક સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવી હતી. તે લગભગ 975 મીટર લાંબી, ત્રણ ફૂટ ઊંચી અને 6.5 ફૂટ પહોળી છે.
વિજ્ઞાનિઓએ જે દિવાલ શોધી છે તે માત્ર બે તૃતીયાંશ ભાગની જ છે. તેમાં 1670 પથ્થરો મળી આવ્યા છે. આ દિવાલ બાલ્ટિક સમુદ્રની અંદર છે, જે જર્મનીના દરિયાકાંઠાના શહેર રેરિકથી 10 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. બાલ્ટિક સમુદ્રના આ ભાગને મેકલેનબર્ગની ખાડી કહેવામાં આવે છે. આ યુરોપમાં હોલોસીન સમયગાળાની શરૂઆતના સમયની વાત છે. તે સમયે ઘણા યુરોપિયન દેશોમાં શિકારને પકડવા માટે આવી લાંબી દિવાલો બનાવવામાં આવતી હતી. ઘણી વખત શિકારીઓના જૂથો તેમના શિકારને આ દિવાલોના ઘેરામાં લાવીને ફસાવી દેતા હતા. પછી તેઓ આરામથી તેનો શિકાર કરતા હતા. મેકલેનબર્ગના અખાત પાસે મળેલી આ દિવાલ દર્શાવે છે કે અહીંના લોકો રેન્ડીયરનો શિકાર કરતા હશે.
બરફ પીગળતા સમુદ્ર વધતો ગયો અને શહેર ડૂબી ગયું
સમુદ્રનું સ્તર ધીમે ધીમે તાપમાનમાં વધારો અને બરફ પીગળવાને કારણે વધવા લાગ્યું. જે જમીન પહેલા સમુદ્રની બહાર હતી તે હવે 70 ફૂટની ઊંડાઈ પર છે. છેલ્લા હિમયુગમાં એટલે કે 8500 વર્ષ પહેલા આ વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. આ તે સમય હતો જ્યારે ડોગરલેન્ડ વિસ્તાર બ્રિટન અને યુરોપિયન ખંડ સાથે જોડાયેલો હતો. આ દિવાલને ખરેખર તો 2021 માં શોધવામાં આવી હતી. પછી, ત્રણ વર્ષ સુધી તેનો અભ્યાસ કરવામાં આવ્યો. જર્મનીની કીલ યુનિવર્સિટીના મરીન જિયોફિજીસિસ્ટ જેકબ ગિરસેને જણાવ્યું કે, દિવાલનો વિસ્તાર સમુદ્રના વાદળી રંગથી થોડો અલગ છે. અમે કોઈ માળખું નહોતા શોધી રહ્યા પરંતુ અમને કંઈક એવું મળ્યું જેની અપેક્ષા ન હતી.
વિજ્ઞાનિઓએ પાણીની અંદર ડ્રોન ચલાવ્યા
આ પછી વિજ્ઞાનિઓએ ઓટોનોમસ અંડરવોટર વાહન વડે સમગ્ર વિસ્તારની તપાસ કરી. સોનાર યંત્રો દ્વારા સમુદ્રના અંદરના ભાગનો નકશો બનાવ્યો. આ સિવાય તે ઘણી વખત ડાઇવિંગ કરીને દિવાલ સુધી પણ ગયા હતા. તેમજ, દિવાલની માટી અને પથ્થરોની તપાસ કરી. પછી તેમને ખબર પડી કે તે શા માટે, ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવી હતી? આ સિવાય તે ક્યારે અને કેવી રીતે ડૂબી?
ગિરસેન અને માર્સેલ બ્રેટમોલરની આ શોધ તાજેતરમાં PNAS જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં આ દિવાલ ક્યારે બની હતી તે જણાવવામાં આવ્યું છે. આ દીવાલ પ્રાણીઓને દરિયા તરફ જતા રોકવા માટે પણ બનાવવામાં આવી હતી. જેથી તે ખોટી દિશામાં ન ભાગે. સાથે જ, એવું કહેવાય છે કે 9000 વર્ષ પહેલા જ આ વિસ્તારમાં રેન્ડીયર લુપ્ત થઈ ગયા હતા.
આ પણ વાંચો : ઉત્તરાખંડમાં UCC લાગુ થયા પછી પણ આ જાતિના લોકો એક કરતા વધુ લગ્ન કરી શકશે