નાણાના બદલામાં પ્રશ્ન પૂછવાના કેસમાં જ્યારે એક સાથે 11 સાંસદોનું સભ્યપદ છીનવાયું હતું
- 2005માં આવી જ એક ઘટના બની હતી, જ્યારે 11 સાંસદો પૈસાના બદલામાં પ્રશ્નો પૂછવા બદલ દોષી સાબિત થયા હતા અને તેમનું સંસદ સભ્યપદ છીનવી લેવામાં આવ્યું હતું, વાંચો અહીં આખરે શું થયું હતું…
નવી દિલ્હી, 08 ડિસેમ્બર: TMC સાંસદ મહુઆ મોઇત્રાની લોકસભા સદસ્યતા આજે શુક્રવારે રદ કરવામાં આવી છે. કેશ ફોર ક્વેરી એટલે કે પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં તેઓને દોષિત ઠેર્યા છે. લોકસભાની એથિક્સ કમિટીએ તેમનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી. આ રિપોર્ટના આધારે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
લોકસભામાં કેશ ફૉર ક્વેરીનો આ પહેલો કિસ્સો નથી કે જ્યારે ‘કેશ ફૉર ક્વેરી’ કેસમાં સાંસદની સદસ્યતા રદ કરવામાં આવી હોય. આ પહેલા વર્ષ 2005માં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યારે તેમાં 11 સાંસદોને સામેલ હતા. તે સમયે 11 સાંસદો પૈસા માટે પ્રશ્નો પૂછવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને અગ્યિયારેએ અગ્યિયાર સંસદોની સંસદ સભ્યતા રદ કરવામાં આવી હતી. આમાં રાજ્યસભાના સાંસદ પણ સામેલ હતા.
શું હતું તે કૌભાંડ?
12 ડિસેમ્બર 2005ના રોજ એક ખાનગી ચેનલે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. કેટલાક સાંસદો સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેતા ગુપ્ત કેમેરામાં કેદ થયા હતા. દેશના સંસદીય ઈતિહાસમાં આ પ્રથમ ઘટના બની હતી. આશ્ચર્યની વાત એ હતી કે આ 11 સાંસદો કોઈ એક પક્ષના ન હતા. જેમાંથી છ ભાજપના, ત્રણ બસપાના અને એક-એક આરજેડી અને કોંગ્રેસના હતા.
ભાજપના સાંસદો સુરેશ ચંદેલ, અન્ના સાહેબ પાટીલ, ચંદ્ર પ્રતાપ સિંહ, છત્રપાલ સિંહ લોધ, વાયજી મહાજન અને પ્રદીપ ગાંધી. BSP તરફથી નરેન્દ્ર કુમાર કુશવાહા અને રાજા રામ પાલ અને લાલ ચંદ્ર. આરજેડી તરફથી મનોજ કુમાર અને કોંગ્રેસ તરફથી રામ સેવક સિંહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સ્ટિંગ ઓપરેશન દરમિયાન કેટલાક પત્રકારો એક કાલ્પનિક સંસ્થાના પ્રતિનિધિ તરીકે ઉભા થયા અને સાંસદોને મળ્યા. પત્રકારોએ સાંસદોને તેમના સંગઠન વતી પ્રશ્નો પૂછવા કહ્યું અને લાંચ લેતા સાંસદોનો વીડિયો બનાવ્યો હતો.
આગળ શું થયું?
આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યાના માત્ર 12 દિવસ બાદ 24 ડિસેમ્બર 2005ના રોજ સંસદમાં આ સાંસદોની સદસ્યતા રદ કરવા માટે મતદાન થયું હતું. અન્ય તમામ પક્ષો આરોપીઓ સામે કાર્યવાહીની તરફેણમાં હતા. પરંતુ ભાજપે વોકઆઉટ કર્યો હતો. ત્યારે વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે સાંસદોએ જે કર્યું તે બેશક ભ્રષ્ટાચારનો મામલો હતો, પરંતુ હાંકી કાઢવાની સજા વધુ હતી.
આ પણ વાંચો: મહુઆ મોઈત્રા વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે રાજકીય આઘાત-પ્રત્યાઘાત