વિશેષ

World Population Day : જુઓ વર્ષ 2050 સુધીમાં ભારતની વસ્તી કેટલી હશે?

Text To Speech
  • વર્ષ 2050 સુધીમાં ભારતની વસ્તી 1.67 અબજ સુધી પહોંચી જશે..!
  • વર્ષ 2050 સુધીમાં નાઈજીરિયા ભારત અને ચીન પછી વિશ્વનો ત્રીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

નવી દિલ્હી, 11 જુલાઈ : આજે 11મી જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ અન્ય દિવસોની સરખામણીમાં ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસ લોકોને ઝડપથી વધી રહેલી વસ્તી અને તેનાથી સંબંધિત પડકારો વિશે જાગૃત કરે છે. આ દિવસ આપણને બધાને જણાવે છે કે વધતી વસ્તી કેટલી મોટી સમસ્યા છે અને તમામ દેશોએ તેના પર ગંભીરતાથી કામ કરવું જોઈએ. જો કે રિપોર્ટ અનુસાર ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. દેશની વસ્તી 142.86 કરોડથી વધુ છે, જ્યારે ચીન હવે બીજા સ્થાને છે. પરંતુ શું તમે જાણો છો કે 2050 સુધીમાં ભારતની વસ્તી કેટલી હશે ?

આ પણ વાંચો : ટેલિકોમ સેક્ટરમાં આત્મનિર્ભર બની રહ્યું છે ભારત, PLI સ્કીમ દ્વારા ત્રણ વર્ષમાં રૂ. 3,400 કરોડનું રોકાણ

1955માં પૃથ્વી પર 2.8 અબજ લોકો જ હતા

વર્ષ 2050 સુધીમાં વિશ્વની સાથે ભારત અને ચીનની વસ્તી પણ ઝડપથી વધશે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2022માં વૈશ્વિક વસ્તી સત્તાવાર રીતે આઠ અબજ લોકો સુધી પહોંચી ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે 1955માં પૃથ્વી પર માત્ર 2.8 અબજ લોકો જ હતા. કેટલાક રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં નાઈજીરિયા ભારત અને ચીન પછી વિશ્વનો ત્રીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. જે બાદ અનુક્રમે અમેરિકા, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈથોપિયા અને બાંગ્લાદેશ હશે.

2050 સુધીમાં ભારતની વસ્તી 1.67 અબજ સુધી પહોંચી જશે

રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં વિશ્વની વસ્તી 9.7 અબજ સુધી પહોંચી જશે.જયારે એકલા ભારતની વસ્તી 1.67 અબજ સુધી પહોંચી જશે. આ પછી ચીનની વસ્તી 1.31 અબજ અને નાઈજીરિયાની વસ્તી 377 મિલિયન થઈ જશે. 2022માં દુનિયાભરમાં લગભગ 134 મિલિયન બાળકોનો જન્મ થયો હતો. તેનો અર્થ એ કે દરરોજ સરેરાશ 367,000 નવજાત શિશુઓ જન્મે છે. જો કે, કોવિડ -19 રોગચાળા દરમિયાન મૃત્યુમાં તીવ્ર વધારો થયો હતો. 2020 માં 63 મિલિયન તે પછી 2021 માં રેકોર્ડ 69 મિલિયન અને 2022 માં લગભગ 67 મિલિયન મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો : અમદાવાદ: બલ્ગેરિયન યુવતી કાંડ બાદ રાજીવ મોદીની કંપનીઓમાંથી ટોચના અધિકારીઓના ધડાધડ રાજીનામા

Back to top button