આસામના 11 જિલ્લામાં પૂરની ચપેટમાં; સેન્ટ્રલ વોટર કમિશને આપી ચેતવણી
આસામમાં આવેલા પૂરથી 11 જિલ્લા પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર અસમમાં આવેલા પૂરના કારણે 77 ગામોમાં 34 હજાર 189 લોકો પ્રભાવિત થયા છે.
આસામમાં 10 જૂને ચોમાસાની શરૂઆત થયા બાદ હવામાન વિભાગે શુક્રવાર સવાર સુધીના 24 કલાકમાં સરેરાશ 41 મીમી વરસાદ નોંધ્યો છે.
પૂરને કારણે આસામના લખીમપુર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે.
અસલમાં લખીમપુર જિલ્લામાં બે નદીઓ પર બાંધવામાં આવેલા ડેમ તૂટવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. લખીમપુર જિલ્લાના 22 ગામો પાણીમાં ડૂબી ગયા છે અને 23,500થી વધુ લોકો તેનાથી પ્રભાવિત છે.
જિલ્લા પ્રશાસને બેઘર લોકો માટે આઠ રાહત શિબિરોની સ્થાપના કરી છે. જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે ચોખા, કઠોળ, તેલ, બેબી ફૂડ વગેરેની સાથે પૂર પીડિતો માટે સેનિટરી નેપકિન, પશુ આહાર જેવી અન્ય મહત્વપૂર્ણ રાહત સામગ્રી લેવામાં આવી છે.
આ પણ વાંચો- કૂવામાં કૂદીને જીવ આપી દઈશ પણ કોંગ્રેસમાં નહીં જોડાઉ: Nitin Gadkari
આ દરમિયાન સેન્ટ્રલ વોટર કમિશને પુથિમારી નદી અને બ્રહ્મપુત્રાને કારણે કામરૂપ અને જોરહાટ જિલ્લામાં ગંભીર પૂરની સ્થિતિનો સામનો કરવાની ચેતવણી આપી છે.
તો બીજી તરફ બે હજારથી વધારે પ્રવાસીઓ સિક્કિમમાં અચાનક પૂર પછી ભૂસ્ખલનને કારણે ફસાઇ ગયા છે.
ફસાયેલા પ્રવાસીઓ વિશે માહિતી આપતા, સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડિરેક્ટર પ્રભાકર રાયે જણાવ્યું હતુ કે, “ઉત્તર સિક્કિમમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 23 બાંગ્લાદેશીઓ, 10 અમેરિકનો અને ત્રણ સિંગાપોરિયનો સહિત કુલ 2017 પ્રવાસીઓ ફસાયેલા છે.” તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને અત્યાર સુધી કોઈ જાન કે સંપત્તિનું નુકસાન થયું નથી.”
ઉત્તર સિક્કિમમાં પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વિશે માહિતી આપતાં ડિરેક્ટર રાય કહે છે, “જિલ્લા મુખ્યાલય મંગનથી ચુંગથાંગ જવાના રસ્તા પર પેગોંગ પાસે એક મોટો નાળો ભારે વરસાદને કારણે તણાઇ ગયો હતો, જેના કારણે ત્યાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. આ નાળાની સામે ITBP કેમ્પ છે અને ત્યાં ચુંગથાંગ છે જ્યાં લાચેન અને લાચુંગ નામના બે પર્યટન સ્થળો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “જ્યારે 16 જૂનના રોજ આ ઘટના બની ત્યારે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. તમામ પ્રવાસીઓ ટ્રાફિક વિક્ષેપને કારણે લાચેન અને લાચુંગની હોટલોમાં રોકાયા છે.”
ભારતીય હવામાન વિભાગ અનુસાર આસામમાં 170 ટકા વધુ વરસાદ, મેઘાલયમાં 134 ટકા વધુ વરસાદ, સિક્કિમમાં 122 ટકા વધુ વરસાદ, અરુણાચલ પ્રદેશમાં 102 ટકા વધુ વરસાદ અને મણિપુર અને ત્રિપુરામાં 20 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો- મણિપુરમાં કેમ હિંસા રોકી શકતી નથી મોદી સરકાર?