પાકિસ્તાનમાં એક જ ઘરમાંથી મળ્યાં 11 મૃતદેહ, એવું તો શું થયું?
- પાકિસ્તાનમાં એક જ ઘરમાંથી એક જ પરિવારના 11 સભ્યોના મૃતદેહ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ, આ મૃત્યુનું કારણ શું?
પાકિસ્તાન, 10 જાન્યુઆરી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લકી મારવતથી એક રુવાટા ઉભા કરી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના સાંભળીને દરેક વ્યક્તિ ગભરાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ પોલીસને અહીંના એક ગામમાં એક જ ઘરમાંથી 11 લોકોના મૃતદેહ મળ્યા છે. આ તમામ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. લક્કી મારવત જિલ્લામાં તખ્તી ખેલ નામનું એક ગામ છે, જ્યાં પોલીસને એકસાથે 11 મૃતદેહો મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ હુમલાખોરે એક જ પરિવારના 11 લોકોની હત્યા કરી હતી. મૃતક પરિવારના સભ્યોમાં બે ભાઈઓ, તેમના બાળકો અને તેમના ઘરે એક મહેમાનનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યના ઘરે આવવાથી થઈ હતી.
બે દિવસ પહેલા અવસાન થયું
મળતી માહિતી મુજબ આ તમામના મૃત્યુ ઘટનાની જાણ થયાના બે દિવસ પહેલા જ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ તમામના મૃત્યુ કોઈ ઝેરી પદાર્થ ખાવાથી થયા છે. આ ઝેરી પદાર્થ ખોરાકમાં ભેળવવામાં આવ્યો હતો. પોલીસ તપાસ અનુસાર, હુમલાખોર ઘર સાથે સંબંધિત વ્યક્તિ હોઈ શકે છે, કારણ કે તેણે ઘરમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ ગુનેગાર ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગયો હતો.
ઘટના બાદ ગભરાટનું વાતાવરણ
આ ઘટનાથી આસપાસના દરેક લોકો ડરી ગયા છે. આ ઘટનાની જાણ મૃતકના ભાઈએ કરી હતી. ઘટનાના બે દિવસ બાદ જ્યારે મૃતકનો ભાઈ ઘરે પરત ફર્યો ત્યારે તેણે ઘરનો દરવાજો બહારથી બંધ જોયો, કોઈ અપ્રિય ઘટનાના ડરથી તેણે ઝડપથી ગેટ ખોલ્યો, દરવાજો ખોલતાની સાથે જ તેના ઘરના 11 સભ્યોનો મૃતદેહ પડ્યો હતો, ત્યારબાદ તેણે તરત જ પોલીસને ફોન કર્યો અને ઘટના વિશે જાણ કરી.
વિસ્તારમાં આવા વધુ બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બે દિવસ પહેલા પરિવારના એક સભ્યએ વઝીરિસ્તાનથી ખાવાનું ખરીદ્યું હતું, જે ખાધા પછી તે બધા મૃત્યુ પામ્યા હતા. હાલ આ ઘટનાની નજીકના વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે અને પોલીસે આ વિસ્તારને બંધ કરી દીધો છે. પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં પણ આવી ઘણી ઘટનાઓ જોવા મળી છે, જેના કારણે ત્યાંના લોકોમાં ગભરાટનો માહોલ છે.
આ પણ વાંચો: ઇક્વાડોરના ટીવી સ્ટુડિયોમાં આતંકીઓ ઘૂસ્યા, મચાવ્યો આંતક, જૂઓ વીડિયો