સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ અને રજિસ્ટ્રાર વિરૂદ્ધ 11 કરોડનો બદનક્ષીનો દાવો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. તા.13 ઓક્ટોબરના રોજ બીબીએ અને બીકોમનું પેપર ફૂટ્યાની ઘટના સામે આવી હતી. જેમાં શહેરની જાણીતી કોલેજ એચ.એન.શુક્લના કર્મચારીનું નામ ખુલતા એફઆઈઆર નોંધાઈ હતી. જેને લઈને એચ.એન.શુક્લ કોલેજના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નેહલ શુક્લએ કુલપતિ ગીરીશ ભીમાણીની સામે 6 કરોડ અને રજિસ્ટ્રાર વિરૂદ્ધ 5 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. કોર્પોરેટર અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લએ કુલપતિ અને રજિસ્ટ્રારને બદનક્ષીની નોટિસ ફટકારી છે.
કોલેજ અને કર્મચારીને બદનામ કરવાનું ષડ્યંત્ર
અગાઉ શુક્લ કોલેજનું નામ ખૂલતા નેહલ શુક્લએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોર્પોરેટર અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, પેપર લીક કાંડમાં થયેલી ફરિયાદ અમારી કોલેજને અને કર્મચારીને બદનામ કરવાનું ષડ્યંત્ર છે. પેપર જ્યારે કેન્દ્ર પર આવ્યા અને પરત લઇ ગયા તે સમગ્ર પ્રક્રિયા વીડિયો રેકોર્ડિંગ સાથે કરવાની હોય છે. અમારી કોલેજમાંથી પેપર સીલબંધ કવરમાં રેકોર્ડિંગ કરીને જ લઇ ગયા હતા ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ પેપર સીસીટીવીની નિગરાનીમાં રાખવાને બદલે જ્યાં કેમેરા નથી ત્યાં રખાવ્યા. ત્યારબાદ સીલ તૂટેલું હોવાનું બતાવી દીધું અને અમારી કોલેજનું નામ વહેતું કર્યું. પોલીસમાં પણ કોઈ સીસીટીવી રજૂ કરાયા નથી.
ઘટનાના ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર 5ની પરીક્ષાનું પેપર 13 ઓક્ટોબર 2022ના રોજ લેવાના હતા. પરંતુ આગલા દિવસે એટલે કે 12 ઓક્ટોબર 2022ના રોજ બન્ને પેપર ફૂટી જતા બીબીએનું પેપર બદલીને યુનિવર્સિટીએ નવા પેપર સાથે પરીક્ષા લીધી હતી અને બી.કોમની પરીક્ષા રદ કરી હતી. જોકે સાડા ત્રણ મહિના કરતા વધુ સમય થવા આવ્યો હોય ગત 1 ફેબ્રુઆરીએ કુલસચિવે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસના અંતે હવે એવો ધડાકો થયો છે કે, આ પેપર વૈશાલી નગરમાં આવેલી એચ.એન. શુક્લ કોલેજમાંથી ફૂટ્યા હોવાનું સામે આવ્યું હતું.