ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકો મૃત્યુ પામ્યાં

Text To Speech

જકાર્તા, 04 ડિસેમ્બર: ઈન્ડોનેશિયાના માઉન્ટ મરાપીમાં જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકોનાં મૃત્યુ થયાં છે. આ વિસ્ફોટ કેટલો ભયંકર હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિસ્ફોટથી નીકળતી રાખ લગભગ ત્રણ કિલોમીટર સુધી આકાશમાં ફેલાઈ ગઈ હતી. તેમજ ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા.આ દુર્ઘટનામાં 26 લોકો ગુમ થયા છે તેમજ બચાવકર્મીઓએ સોમવારે સવારે 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

માહિતી આપતાં એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના પશ્ચિમ ઈન્ડોનેશિયામાં સર્જાઈ હતી. જેના કારણે ચારે તરફ ગભરાટ ફેલાઈ ગયો હતો. વિસ્ફોટની અસર આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી હતી. શનિવારે 75 પર્વતારોહકોએ 2,900 મીટર ઊંચા પર્વત પર ચઢવાનું શરૂ કર્યું. ત્યારે જ અચાનક જ્વાળામુખી ફાટી નીકળ્યો. જેમાં ફસાયેલા લોકોને બચાવીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પશ્ચિમ સુમાત્રાની બચાવ એજન્સીના વડા અબ્દુલ મલિકે જણાવ્યું હતું કે બચાવ કાર્યકરો ક્લાઇમ્બર્સ અને ફસાયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં લાગ્યા છે. જો કે આ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, અગાઉ 49 પર્વતારોહકને સુરક્ષિત નીકળવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી ઘણા બધા લોકો ખરાબ રીતે દાઝ્યા છે.

1979માં જ્વાળામુખી ફાટતા 60 લોકોએ જીવ ગુમાવ્યો હતો

મારાપી એ સુમાત્રા ટાપુ પરનો સૌથી સક્રિય જ્વાળામુખી છે અને તેનો સૌથી ભયંકર વિસ્ફોટ એપ્રિલ 1979માં થયો હતો, જ્યારે 60 લોકો મૃત્યુ પામ્યાં હતાં. વર્ષના પ્રારંભે પણ આ જ્વાળામુખી ફાટ્યો હતો. જેમાં શિખરથી લગભગ 1,000 મીટર ઊંચી રાખ ઉછળી હતી. વોલ્કેનોલોજી એજન્સી અનુસાર, ઈન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના કહેવાતા ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત છે અને તેમાં 127 સક્રિય જ્વાળામુખી છે.

આ પણ વાંચો: જાપાનમાં જ્વાળામુખી ફાટ્યો, 200 મીટર સુધી રાખ ઉડતી હોવાનો Video વાઇરલ

Back to top button