શહનાઈને વૈશ્વિક ઓળખ અપાવનાર ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની આજે 108મી જન્મજયંતી
HD News Desk (અમદાવાદ), 21 માર્ચ: ભારતના ચારેય સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કારથી સન્માનિત એવા પ્રખ્યાત શહેનાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની આજે 108મી જન્મ જયંતી છે. જ્યારે પણ શહેનાઈની વાત આવે ત્યારે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનો ચહેરો નજર સામે આવી જાય છે. નાનપણમાં કમરુદ્દીન નામથી ઓળખાતો છોકરો માોટો થઈને દેશનો મહાન શરણાઈ વાદક બનશે એ કોઈને ખબર ન હતી. હકીકતમાં કમરુદ્દીનને બિસ્મિલ્લા નામ તેમના દાદાએ આપ્યું હતું. કહેવાય છે કે, એક દિવસ કમરુદ્દીનને દાદાના ખોળામાં ઉઠાવતા જ તેમના મોઢામાંથી ‘બિસ્મિલ્લાહ’ નીકળ્યું. તે દિવસથી કમરૂદ્દીન બિસ્મિલ્લા ખાન બની ગયા.
કાશી વિશ્વનાથ મંદિરમાં બિસ્મિલ્લા ખાન શહેનાઈ વગાડતા
ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનો જન્મ 21 માર્ચ 1916ના રોજ બિહારના બક્સર જિલ્લામાં થયો હતો. તેમના પિતા બિહારના ડુમરાવ રજવાડાના મહારાજા કેશવ પ્રસાદના દરબારમાં શહનાઈ વગાડતા હતા. છ વર્ષની ઉંમરે બિસ્મિલ્લા ખાન પિતા સાથે બનારસ આવી ગયા. બનારસમાં કાકા અલી બક્ષ વિલાયતી જે બાબા વિશ્વનાથ મંદિરમાં સ્થાયી રૂપથી શરણાઈ વાદનનું કાર્ય કરતા હતા, તેમની પાસેથી શહનાઈ વગાડવાનું શીખ્યા. બિસ્મિલ્લા ખાન તેમના કાકા સાથે બનારસના ઘાટ પર જતા અને ત્યાં બેસીને શહેનાઈ વગાડતા. આ પછી કાકાએ તેમને કાશી વિશ્વનાથ મંદિરમાં તેમની સાથે શહનાઈ વગાડવાની તક આપી. ત્યારબાદ કાકા-ભત્રીજાએ સાથે મળીને મંદિરો અને હિન્દુ લગ્નોમાં શહનાઈ વગાડવાનું શરૂ કર્યું.
ભારતની સ્વાધીનતાની પૂર્વ સંધ્યાએ શરણાઈ વગાડી હતી
ભારતની સ્વાધીનતાની પૂર્વ સંધ્યાએ એટલે કે વર્ષ 1947માં લાલ કિલ્લા પરથી તે સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુના કહેવા પર તેમણે શહેનાઈ વગાડી હતી. આ પછી 1950 માં ભારતના પ્રથમ ગણતંત્ર દિવસના અવસરે તેમણે લાલ કિલ્લા પરથી તેમની શહનાઈ સાથે રાગ કૈફી વગાડ્યું. એ રાગનો અવાજ એટલો બુલંદ હતો કે, આજદિન સુધી આ રાગને ગણતંત્ર દિવસના અવસર પર વગાડવામાં આવે છે. આ વાતને જાણીને નવાઈ લાગશે કે દૂરદર્શન અને ઑલ ઈન્ડિયા રેડિયોની સિગ્નેચર ટ્યૂનમાં પણ બિસ્મિલ્લા ખાનની શહનાઈનો અવાજ છે.
નિધન બાદ બિસ્મિલ્લાહ ખાનને શરણાઈ સાથે દફનાવાયા હતા
ખાને દેશ અને દુનિયાના વિવિધ ભાગોમાં પોતાની શહેનાઈનો જાદુ પાથર્યો હતો. તેઓએ ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, જાપાન, અમેરિકા, કેનેડા અને રશિયા જેવા વિવિધ દેશોમાં પોતાની શહનાઈની જાદુઈ ધૂન ફેલાવી હતી. બિસ્મિલ્લા ખાનની મહેનતનું પરિણામ છે કે, આજે લોકો શહેનાઈને આટલું મહત્વ આપી રહ્યા છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબને ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મ શ્રી જેવા તમામ સર્વોચ્ચ ભારતીય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. જો કે, તેમનું એક સપનું ઈન્ડિયા ગેટ પર શહેનાઈ વગાડવાનું હતું પરંતુ તે ક્યારેય પૂરું થઈ શક્યું નહીં. 21 ઓગસ્ટ, 2006ના રોજ આ મહાન વ્યક્તિત્વે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. નિધન બાદ તેઓને સન્માન આપવા બિસ્મિલ્લા ખાનને તેમની એક શરણાઈ સાથે દફનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: શું તમે જાણો છો કે ચૂંટણી વખતે પકડાયેલો દારૂ અને પૈસા ક્યાં જાય છે?