મોડાસાના ખંભીસર ખાતે 108 તરુરોપણ મહાયજ્ઞ સંપન્ન થયો
પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર યુથ ગૃપ, મોડાસા દ્વારા ચોપ્પન રવિવારથી અવિરત દર રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. “પ્રાણવાન સન્ડે” અને “મારું ઘર મારું વૃક્ષ” અભિયાનથી મોડાસા ક્ષેત્રમાં વૃક્ષારોપણ ઝુંબેશ સંદર્ભે જન જાગૃતિ વધતી જાય છે.
ભીસર ગામે વૃક્ષારોપણનું આયોજન
સતત 54મા રવિવારે ખંભીસર ગામે વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. ખંભીસર ખાતે મહંત ગંગાનાથ વિદ્યાલયના મેદાનમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગ્રામજનોએ 108 તરુરોપણ મહાયજ્ઞમાં રોપાઓ રોપી ભાગ લીધો હતો. જીપીવાયજીના યુવાનોએ હાજર લોકોને પર્યાવરણ વિશે માહિતી આપી હતી અને 70 લીમડાના રોપા, 24 આસોપાલવ તેમજ 10 કણજી, 2 ચંપા, 2 બદામ સહિત કુલ 108 રોપા રોપી તરુરોપણની ઉજવણી કરી હતી
ઉપસ્થિત મહેમાનો
આ 108 તરુરોપણ મહાયજ્ઞમાં ખંભીસર કેળવણી મંડળના પ્રમુખ રમણભાઈ પટેલ, કેળવણી મંડળના સભ્યશ્રીઓ, સ્કુલના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ખંભીસર ગાયત્રી પરિવારના અગ્રણી કાન્તિભાઈ પટેલ, કામિનીબેન પટેલ સહિત ગામના યુવાનો તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના પ્રમુખ ધર્માભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.