બનાસકાંઠાના આરોગ્ય વિભાગના 1000 કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર
બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ બે દિવસીય હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય કર્મીઓ પડતર માંગોને લીધે હડતાળ પર ઉતર્યા છે. જેને લીધે આરોગ્ય સેવાઓ ઠપ્પ થઇ ગઈ છે.જેથી દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આરોગ્ય વિભાગના કર્મીઓ હડતાળ પર
બનાસકાંઠામાં એક તરફ આરોગ્યની સ્થિતિ કથળી રહી છે. જેમાં તાજેતરમાં સ્વાઇન ફ્લુથી એક સગર્ભા મહીલાનું મોત થયુ હતુ.તેમજ ડેન્ગ્યુના કેસો નોંધાઇ ચુક્યા છે. જ્યારે ચોમાસાની ઋતુ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં તાવ, શરદી અને માથુ દુ:ખાવાના કેસો વધી રહ્યા છે. ત્યાંજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ બે દિવસથી હડતાલ ઉપર જતાં આરોગ્ય સેવાને અસર થઈ છે. જ્યારે હાલમાં ડેન્ગ્યુ , મેલેરિયા, ચિકનગુનિયાના સર્વેલન્સના આભવે રોગચાળો વધુ વકરવાની શક્યતા છે.
પડતર માંગણીઓને પગલે આરોગ્ય કર્મીઓની હડતાળ
જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુખ્ય ત્રણ માગણીઓમાં 1900ના બદલે 2800નો ગ્રેડ પે આપવો, કોરોના વોરિયર્સ એ કોરોના કાળ દરમિયાન જાહેર રજાના દિવસે કામ કરેલ તેનો 98 દિવસનો પગાર ચૂકવવો, ઝીરો કિલોમીટર એ PTA આપવું. આ ત્રણ માગણીઓને લઇ જિલ્લાના 1000થી વધુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર , ફિમેલ હેલ્થ વર્કર , મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર , ફિમેલ હેલ્થ સુપરવાઇઝર , ટીએસએસ , ટીએચવી અને સુ૫૨ વાઇઝર તમામ કેડરના કર્મચારીઓએ હડતાળમાં જોડાવવા અંગે આરોગ્ય વિભાગ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ સોમવારથી હડતાળમાં જોડાતા આજે (મંગળવારે) હળતાલનો બીજો દિવસ છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સરકારી દવાખાનામાં દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.