સુવિધાનો અભાવ છતાં આ ગામમાં 100% મતદાન, વોટિંગ બૂથ સુધી 8 KM ચાલીને પહોંચ્યા મતદારો
મેંગલુરુ (કર્ણાટક), 27 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન શુક્રવારે પૂર્ણ થયું. બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર 68.49% મતદાન થયું હતું. આ દરમિયાન એક ગામ પણ ચર્ચામાં આવ્યું જ્યાં 100% લોકોએ તમામ પરેશાનીઓ અને જાહેર સુવિધાઓના અભાવ વચ્ચે પણ પોતાનો બહુમૂલ્ય મત આપ્યો. આ ગામ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલથાંગડી તાલુકામાં આવેલું છે. બંજરૂમાલે નામના આ ગામમાં શુક્રવારે લોકસભા ચૂંટણી માટે 100% મતદાન થયું હતું.આ ગામમાં 111 મતદાતાઓ છે અને તેમાંથી દરેક મતદાતાઓએ સાંજે 6 વાગ્યે વોટિંગ સમાપ્ત થાય તેનાથી બે કલાક પહેલાં જ મતદાન કરી દીધું હતું.
આઠ કિમી ચાલીને મતદાન કેન્દ્ર પર પહોંચ્યા
આ ગામમાં વનવાસીઓ, આદિવાસી ખેડૂતો અને મીની ફોરેસ્ટ વેસ્ટ કલેક્ટર રહે છે. આ લોકો પશ્ચિમ ઘાટની ટેકરીઓમાં બારમાસી જળ સ્ત્રોતોના પાણીનો ઉપયોગ કરીને જંગલમાં જીવે છે. વીજળી કે ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ન હોવા છતાં, ગામવાસીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત આપવા માટે કેટલાક લોકોને મુદિગેરેથી બસમાં મુસાફરી કરવી પડી હતી તો કેટલાક લોકો ગાઢ જંગલોમાંથી આઠ કિલોમીટર ચાલીને મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમના જુસ્સાને જોઈને જિલ્લા અધિકારીઓએ પણ સરાહના કરી હતી.
નબળી સુવિધાઓ વિશે ફરિયાદ નથી કરતા: ગામવાસી
ગામના રહેવાસી અન્ની મલેકુડિયાએ કહ્યું કે, અમે નબળી સુવિધાઓ વિશે કોઈ ફરિયાદ કરતા નથી. અમે એટલું તો સમજીએ છીએ કે, જેટલી સુવિધા શહેરોને અપાય છે તેટલી સુવિધા ગામડાઓને આપી શકાતી નથી. તેમ છતાંય આ બાબતો અમને સંપૂર્ણ મતદાન કરવાથી રોકી શક્યું નથી. મને વિશ્વાસ છે કે, 500થી વધુ મતદારો હોત તો પણ તેઓ બધા મતદાન કરવા આવ્યા હોત. જિલ્લા મતદાન ડેટા અનુસાર, 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બંજરુમાલે ગામમાં 99% મતદાન નોંધાયું છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી : બીજા તબક્કામાં 7 વાગ્યા સુધીમાં નોંધાયું 60.96 % મતદાન