કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના સોની બજારમાંથી રજિસ્ટ્રેશન વિનાના 100 બંગાળી કારીગર ઝડપાયા

Text To Speech

રાજકોટ,14 ઓગસ્ટ 2024, શહેરના સોની બજારમાં બંગાળી કારીગરો વેપારીઓનું સોનુ લઈને ફરાર થઈ જતા હોવાની ઘટનાઓ અવારનવાર બને છે. ગત વર્ષે બંગાળી કારીગરના સ્વાંગમાં 3 આતંકવાદી ઝડપાયા હતા. આજે રાજકોટ SOGની ટીમ દ્વારા સોની બજારમાં ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. અત્યાર સુધીમાં 100થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા છે જેમનું રજિસ્ટ્રેશન થયું નથી. જેથી વેપારીઓ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલા છે. વેપારીઓને સિટીઝન પોર્ટલમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે
ACP ભરત બસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય કારીગરો કામ કરવા માટે આવતા હોય છે. જેમાંના અમુક અગાઉ મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાઇ ચૂક્યા છે. આ કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જેથી રાજકોટ શહેર એસઓજીની ટીમ દ્વારા જાહેરનામા ભંગ અંગેની ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલી હતી. જેમાં જે વેપારીઓએ પોતાને ત્યાં કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન પોલીસમાં નથી કરાવેલું તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં 100થી વધુ કેસ કરવામાં આવ્યા છે. સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરો વેપારીનું સોનુ લઈને ફરાર થઈ જવાના અનેક કિસ્સાઓ બને છે. રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવશે. સોની બજારમાં અંદાજિત 90,000થી વધુ બંગાળી કરીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત બંગાળી કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાં એ ડિવિઝન, બી ડિવિઝન અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃગુજરાતમાં 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સજા ભોગવી રહેલા 86 કેદીઓને જેલ મુક્ત કરાશે

Back to top button