ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

100 ટન સોનાની ‘ઘર વાપસી’: RBIએ બ્રિટનની સેન્ટ્રલ બેંકમાંથી વર્ષોથી જમા કરેલું સોનું મેળવ્યું

  • સોનાના ભંડારમાં વધારો થવાથી દેશની અર્થવ્યવસ્થા પર થશે સકારાત્મક અસર 

નવી દિલ્હી, 31 મે: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બ્રિટનથી દેશમાં 100 ટનથી વધુ સોનું લાવવામાં આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષોથી જમા કરાયેલું સોનું તેના ખાતામાં મેળવ્યું છે. ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે. હવે ભારતમાં સંજોગો બદલાઈ રહ્યા છે… એક સમય હતો જ્યારે દેશનું સોનું બહાર રાખવાના સમાચાર સાંભળવા મળતા હતા, પરંતુ હવે ભારત પોતાનું સોનું પાછું લાવી રહ્યું છે. અહેવાલ અનુસાર, RBIના અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં લગભગ 100 વધુ ટન સોનું ભારતમાં લાવવામાં આવશે. ભવિષ્યમાં નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે RBI દેશના ખજાનામાં સોનાની માત્રામાં વધારો કરી રહી છે.

 

ભારતની તિજોરીમાં વધી રહ્યું છે સોનું 

ઉલ્લેખનીય છે કે, 1991ની શરૂઆત બાદ આ પહેલીવાર છે જ્યારે સ્થાનિક સ્તરે રાખવામાં આવેલા સ્ટોકમાં આટલી મોટી માત્રામાં સોનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી મહિનાઓમાં આટલી જ માત્રામાં સોનું દેશમાં પાછું લાવવામાં આવી શકે છે, અહેવાલોમાં સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, RBI પાસે માર્ચના અંતે 822.1 ટન સોનું હતું, જેમાંથી 413.8 ટન વિદેશમાં હતું. હવે આ સોનું ધીમે ધીમે ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. વૈશ્વિક ડેટા અનુસાર, તાજેતરના વર્ષોમાં RBI સોનાની ખરીદી કરતી મુખ્ય કેન્દ્રીય બેંક છે, જેણે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન તેના અનામતમાં 27.5 ટન સોનું ઉમેર્યું છે.

RBI સોનું કેમ ખરીદી રહી છે…?

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ (BOI) લાંબા સમયથી વિશ્વભરની મધ્યસ્થ બેંકો માટે મુખ્ય ભંડાર છે. ભારત પણ આઝાદી પહેલાથી લંડનની બેંકોમાં પોતાનું સોનું રાખે છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ કહ્યું છે કે, “RBIએ થોડા વર્ષો પહેલા સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું અને તે ભારતનું સોનું ક્યાં-ક્યાંથી પાછું લાવી શકે છે તેની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો. વિદેશમાં સ્ટોક વધી રહ્યો હોવાથી થોડું સોનું ભારતમાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્યના સંજોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય અર્થતંત્રની બદલાતી પરિસ્થિતિઓ

સદીઓથી ભારતીયો માટે સોનું એ ભાવનાત્મક મુદ્દો છે… અહીં દરેક ઘરમાં સોનું હોય છે અને તેને વેચવું યોગ્ય માનવામાં આવતું નથી. પરંતુ 1991માં ચંદ્રશેખર સરકાર દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાનું સંચાલન કરવા માટે કિંમતી ધાતુ ગીરવે મુકવામાં આવી હતી. જોકે, RBIએ લગભગ 15 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી 200 ટન સોનું ખરીદ્યું હતું. આ ભારતીય અર્થતંત્રની બદલાતી પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસ દર્શાવે છે, જે 1991ની સ્થિતિથી સંપૂર્ણપણે અલગ છે.

આ પણ જુઓ: મેજર રાધિકા સેનને UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યરથી કરાયા સન્માનિત

Back to top button