વર્લ્ડ

લગ્નમાંથી પરત ફરતા 100 લોકોને કાળ ભરખી ગયો, જાણો ક્યાં બની આ દુર્ઘટના

આફ્રિકન દેશ નાઈજીરીયામાં એક ભયાનક અકસ્માતમાં 100 લોકોના મોત થયા છે. અહીં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોના મોત થયા છે.

નાઈજીરિયામાં બોટ પલટી જવાથી 100 લોકોના મોત

નાઈજીરિયામાં મંગળવારે એક ભયાનક ઘટના બની. બોટ પલટી જવાથી લગભગ 100 લોકોના મોત થયા છે. ANI અનુસાર,આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેઠા હતા

પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું કે આ અકસ્માત નાઈજર નદીમાં થયો હતો. આ અકસ્માત પડોશી રાજ્ય નાઈજર પાસે થયો હતો. નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેઠા હતા. જેના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.

બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સવાર હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, બોટમાં સવાર તમામ લોકો ઉત્તરી નાઈજીરિયાના નાઈજર રાજ્યના એગબોટી ગામમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.નાઈજીરિયાના પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ માહિતી આપી છે કે મૃતકો પૈકી મોટાભાગના લોકો સંબંધીઓ છે. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા.

લોકો સુધી મદદ સમયસર પહોંચી ન શકી

આ ભયાનક દુર્ઘટના થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર થયું નથી. પરંતુ બોટમાં 100 થી વધુ લોકો હતા અને ઘણા લોકો તેમની સાથે બાઇક પણ લઇ રહ્યા હતા. આ દુર્ઘટના સવારે 3 વાગે બની હતી, જેથી અકસ્માતનો ભોગ બનેલા લોકો સુધી મદદ સમયસર પહોંચી શકી ન હતી. લાંબા સમય બાદ આ અકસ્માતની માહિતી સામે આવી છે. ત્યાં સુધીમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા હતા.

ગયા મહિને બોટ પલટી જતાં 15 બાળકો ડૂબ્યા હતા

નોંધનીય છે કે નાઇજર નદી નાઇજિરીયાની સૌથી મોટી નદીઓમાંની એક છે. આ નદી પશ્ચિમ આફ્રિકાની મુખ્ય નદી ગિનીમાંથી વહે છે, નાઇજિરિયાના નાઇજર ડેલ્ટામાં જાય છે, જે આફ્રિકામાં એક મુખ્ય વેપાર માર્ગ પણ છે. નાઈજીરિયા ખૂબ જ ગરીબ દેશ છે અને રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે મોટાભાગના લોકો અહીં બોટ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. નાઇજીરીયામાં લાંબા અંતરની મુસાફરી માટે સામાન્ય રીતે નાના જહાજોનો ઉપયોગ કરવામાં આવે છે. ગયા મહિને, અહીં સોકોટો રાજ્યમાં એક નદીમાં બોટ પલટી જતાં 15 બાળકો ડૂબી ગયા હતા.

 આ પણ વાંચો : તાપીના મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી, લોકાર્પણ પહેલા જ પુલ તૂટી પડતા ભ્રષ્ટાચારનો આક્ષેપ

Back to top button