ભાવનગરમાં 10 કરોડના ખર્ચે 100 તળાવો બનાવવામાં આવશે
ભાવનગરઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની આઝાદીના 75 વર્ષના ઉપલક્ષ્યમાં 24મી એપ્રિલ 2022ના રોજ પંચાયતી રાજના દિવસે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોના નિર્માણનું આહ્વાન કર્યું હતું. જેને લઇને ભાવનગર જિલ્લામાં લક્ષ્યાંકિત 75 સરોવરોને બદલે લોકોની માંગણી ધ્યાનમાં રાખીને રૂા.10 કરોડના ખર્ચે 100 તળાવોનું નિર્માણ કરી ભાવનગરની ધરાને પાણીથી પાણીદાર બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંતર્ગત વિવિધ તાલુકાઓમાં કામગીરી હાથ ધરીને તેની શરૂઆત કરી દેવામાં આવી છે. આ વર્ષના 15મી ઓગસ્ટ 2022 સુધીમાં આ અંતર્ગતની 20 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આવતી 15મી ઓગસ્ટ 2023 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, સરોવરોના નિર્માણમાં ટેક્નોલોજી સાથે ઇકો સિસ્ટમનો પણ ખ્યાલ રાખીને ચિરંતન વિકાસ કરવામાં આવશે તેવાં નિર્ધાર સાથે ભાવનગરને પાણીથી સભર બનાવવાં માટે અમૃત તળાવોના નિર્માણમાં સ્પેસ ટેક્નોલોજી, જીઓ સ્પેશિયલ ટેક્નોલોજી, ફોટોગ્રામેટ્રી (થ્રી-ડી), ઇન્ફર્મેશન ટેક્નોલોજી, મોબાઇલ એપ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે પાણીના શક્ય વહેણ અને તેની પાણી રોકાવાની શક્યતા ચકાસવાં માટે બાયસેગના માધ્યમથી જીઓ ટેગિંગ કરીને અમૃત સરોવરના સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે. આ સરોવરના નિર્માણ માટે પાણીના રોકાવ અને પાણીના સંગ્રહની વાત ધ્યાનમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત ક્યાં, કેવી જરૂરીયાત છે તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
આ સાથે ભાવનગરના કાળિયાર અભ્યારણ્યના કાળિયારને પીવા માટે ઉનાળામાં પણ પાણી મળી રહે તેવાં ખ્યાલ સાથે અભ્યારણ્ય નજીકના ઘાંઘલી અને ઉંડવીમાં સરોવરનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત જેસર તાલુકામાં સિંહનું વિચરણ જોવાં મળે છે તેને ધ્યાનમાં રાખીને જેસર તાલુકાના કરઝાળામાં પણ સરોવરનું નિર્માણ કરવામાં આવનાર છે. આમ, પ્રાણી માત્રની ચિંતા કરીને માત્ર માનવ અને માત્ર વિકાસ નહીં, પરંતુ પ્રકૃતિ સાથેના ચિરંતન વિકાસને ધ્યાનમાં રાખીને અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.