સીરિયાઃ ડ્રોન હુમલામાં 6 બાળકો સહિત 100નાં મૃત્યુ
- મિલિટરી એકેડમીમાં ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ડ્રોન હુમલો થયો
- ઘટનામાં રક્ષામંત્રી અલી મહમૂદ અબ્બાસ બચી ગયા
- અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે
સીરિયાના હોમ્સ શહેરમાં આવેલા મિલિટરી એકેડમી પર ગુરુવારે ડ્રોન હુમલો થયો હતો. આ હુમલામાં 100 જેટલા કેડેટ્સના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે 240થી વધુ લોકો ઘાયલ થયા હતા. AFPએ વોર મોનિટરને ટાંકીને આ માહિતી આપી હતી. માહિતી અનુસાર, મૃતકોમાં 6 બાળકો અને 6 મહિલાઓ સહિત 14 સામાન્ય નાગરિકો સામેલ છે. સેનાનું કહેવું છે કે, મૃત્યુના આંકડામાં વધારો થઈ શકે છે. BBCના એક રિપોર્ટ મુજબ ઘટનાને નજરે જોનારના જણાવ્યા અનુસાર, એકેડમીમાં ગ્રેજ્યુએશન સેરેમનીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લોકો મેદાનમાં એકઠા થયા તે સમયે જ ધડાકો થયો હતો.
રક્ષામંત્રી અલી મહમૂદ અબ્બાસ બચી ગયા
સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ (SOHR)ના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સીરિયાના રક્ષા મંત્રી અલી મહમૂદ અબ્બાસ આ હુમલામાં સ્હેજમાં બચી ગયા હતા. હુમલાની ગણતરીની મિનિટ પહેલા જ તેઓ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા. તેમના જતાંની સાથે જ હથિયારબંધ ડ્રોને ત્યાં બોમ્બારો અને તોપમારો શરૂ કરી દીધો.
અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી
સીરિયાન સેનાએ હુમલા માટે વિરોધીઓેને જવાબદાવ ઠેરવ્યા છે. જેની પાસે અગાઉથી આંતરરાષ્ટ્રીય સમર્થન છે. જોકે, આ હુમલાની અત્યાર સુધી કોઈ પણ સંગઠને જવાબદારી લીધી નથી. યુદ્ધથી ઝઝૂમી રહેલા સીરિયામાં મોટા ડ્રોન હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, સીરિયન સૈન્ય મથકો પર અત્યાર સુધી સૌથી મોટો લોહિયાળ હુમલો માનવામાં આવી રહ્યો છે.
સીરિયા 2011થી યુદ્ધ સામે લડી રહ્યું છે
સીરિયન સંઘર્ષની શરૂઆત 2011માં પ્રમુખ બશર અલ-અસદ વિરુદ્ધ વિરોધ સાથે થઈ હતી, જે ગૃહ યુદ્ધમાં પરિણમી હતી. અત્યાર સુધી ત્યાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લાખો લોકોએ દેશ છોડવો પડ્યો છે.
આ પણ વાંચો: તુર્કીનો દાવો – અમે સીરિયામાં ઘુસીને ઇસ્લામિક સ્ટેટના વડા અબુ હુસૈન અલ-કુરેશીનો ખાતમો કર્યો