અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ભૂગર્ભ જળ ઊંચા લાવવા 10 હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરાશે

ગાંધીનગર, 30 જુલાઈ 2024, રાજ્યભરમાં દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઇ રહ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા 150 કરોડની મહત્વ ‘ભૂગર્ભ જળ રીચાર્જ’ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

૯૦ ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે
જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ યોજનાની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/બોર રીચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ બંધ ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦:૧૦ના ધોરણે એટલે કે ૯૦ ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે જયારે ૧૦ ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે.

ભૂગર્ભ જળનો આવરો પણ ઘટી રહ્યો છે
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં આવેલી કુલ ૧૮૫ નદીઓ પૈકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઇ થાય છે. રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે ૩૯ % ભૂગર્ભ જળ છે જેનાથી ૫૭% જેટલા વિસ્તારમાં સિચાઈ થાય છે. કુલ ભૂગર્ભ જળ પૈકી ૮૦% ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવે છે. સિંચાઈ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળનું ખેંચાણ રીચાર્જ કરતા વધુ હોવાને ભૂગર્ભ જળનો આવરો પણ ઘટી રહ્યો છે. આ કારણે ટ્યુબવેલની ક્ષમતા ઘટે છે અને ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ-ખેડૂતોનો નાણાકીય ખર્ચ પણ વધે છે.

ભૂજળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વરસાદનું પાણી ઉપરના જલભરમાં સંગ્રહ કરી શકાય છે. જમીનમાં અમુક ઊંડાઈ પછી ચીકણી માટીનું પડ આવે છે જેથી વરસાદનું પાણી સહેલાઈથી તેની નીચે ઉતરી શકતું નથી. જો આ ઉંડાઈના જલભરમાં વરસાદી પાણી ઉતારવું હોય તો ઠેર ઠેર રિચાર્જ ટ્યુબવેલ બનાવવા પડે. પરંતુ હાલમાં નવા ટ્યુબવેલ બનાવવા ખૂબ જ ખર્ચાળ બની જાય છે. જેના બદલે સિંચાઇના હેતુ માટે ખેડૂતો મારફતે વ્યાપક પ્રમાણમાં બનાવવામાં આવેલા બોર કે જે સમય જતા પાણી સુકાઈ જવાના કારણે બોર બંધ અને બીન ઉપયોગી થયા છે. આવા બંધ પડેલા હાલના તબક્કે બિનઉપયોગી બોરને વરસાદના પાણીથી રીચાર્જ કરવામાં આવે તો સુકાયેલા ભૂગર્ભ જળના તળ પુન:જીવિત થઇ શકે તેમજ સતત ઉંડા જતા ભૂજળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય.

આ પણ વાંચોઃગુજરાતના 28 હજાર સ્વ-સહાય જૂથની 3 લાખ મહિલાઓને 350 કરોડની સહાય અપાશે

Back to top button