ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષ

લોભિયાઓની લાલચનો ગેરલાભ લઈ એક ધૂતારાએ 21 કરોડની ‘કમાણી’ કરી

  • કોરોનાકાળમાં ઘરેથી નોકરી શોધી રહેલા લોકો સાથે આરોપી આચરતો ઓનલાઈન છેતરપિંડી
  • આરોપી વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું-આઈટી એક્ટની જોગવાઈઓ હેઠળના કેસ

ઉત્તરાખંડ : ઉત્તરાખંડ પોલીસે ગુરુગ્રામમાંથી છેતરપિંડી, ગુનાઈત કાવતરું અને આઈટી એક્ટની જોગવાઈઓ હેઠળના કેસમાં એક સાયબર ઠગની ધરપકડ કરી હતી, જેણે 6 મહિનામાં લોકોને છેતરીને 21 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આરોપી ઋષભ શર્મા અગાઉ ફરીદાબાદમાં શાકભાજી અને ફળો વેચનાર તરીકે કામ કરતો હતો, પરંતુ લોકડાઉન દરમિયાન તેણે ઘરેથી કામ કરવાના બહાને લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું.

કોરોનાકાળ દરમિયાન જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા હતા. ફરીદાબાદમાં શાકભાજી અને ફળો વેચનાર ઋષભ શર્માને લોકડાઉન બાદ પોતાની દુકાન બંધ કરવી પડી હતી. આવી સ્થિતિમાં તેણે પોતાના પરિવારના ભરણપોષણ માટે પોતાના જૂના મિત્ર સાથે મળી બેરોજગાર લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરવાનું શરૂ કર્યું. કોરોનાના સમયગાળા દરમિયાન જે લોકો ઘરેથી નોકરી શોધી રહ્યા હતા તેવા લોકોની આ લાચારીનો લાભ લઈ આરોપીએ મિત્ર સાથે પ્લાન બનાવી યોજનાબદ્ધ રીતે લોકોના મોબાઈલ નંબરનો ડેટા એકત્ર કર્યો અને આંતરરાષ્ટ્રીય હોટલના નામે નકલી વેબસાઇટ બનાવી હતી.

આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તે ચીન, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાંથી આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવી રહ્યા છે. આ રેકેટના નેતાઓ ભારત જેવા દેશોમાં પોતાના એજન્ટ રાખીને લોકોને છેતરે છે. તેના બદલામાં તેમને મોટું કમિશન આપવામાં આવે છે. છેતરપિંડીની રકમ હવાલા અને ક્રિપ્ટોકરન્સી દ્વારા આ દેશોમાં મોકલવામાં આવે છે. છેતરપિંડી માટે, આ રેકેટ ઘરેથી કામ, યુટ્યુબ લાઇક્સ અને પેઇડ રિવ્યુ જેવી ઑફર્સ આપે છે.

મેરિયોટ બોનવોય હોટલના નામે આચરી છેતરપિંડી

આરોપીએ લોકોને મેરિયોટ બોનવોય ઈન્ટરનેશનલ હોટલના પ્રતિનિધિ તરીકે બોલાવવાનું શરૂ કર્યું. તે લોકોને પાર્ટ ટાઈમ જોબની સાથે હોટલ માટે પેઈડ રિવ્યુ લખવા વિનંતી કરતો હતો. લોકો લાલચમાં આવી પેઇડ રિવ્યુ લખતા હતા અને તેના બદલામાં તે તેમને પૈસા આપતો હતો. આ રીતે જ્યારે લોકો તેની જાળમાં ફસાતા ત્યારે તે તેમને હોટલમાં રોકાણ કરવા કહેતો. આ રીતે તેણે તેમની પાસેથી ઘણા પૈસા છીનવી લીધા. થોડા મહિના પહેલા જ તેણે દેહરાદૂનના એક વેપારીને ફસાવ્યો હતો, જેની ફરિયાદ પર તેની ધરપકડ કરવામાં આવી હતી.

દેહરાદૂનના વેપારી સાથે 20 લાખની છેતરપિંડી

કોઈ બિઝનેસમેનને ફોન કરીને પેઇડ રિવ્યુ લખવાના કામ માટે આરોપીએ વેપારીને 10 હજાર રૂપિયા આપ્યા હતા. આ રીતે થોડા વધુ પૈસા આપીને તેણે વેપારીને ફસાવી લીધો. ત્યારબાદ તેને થોડા જ સમયમાં બમણા નફાની લાલચ આપીને વેપારીને હોટલમાં રોકાણ કરવા કહ્યું અને એક યુવતી સાથે તેની ઓળખાણ કરાવીને હોટેલમાં મિટિંગ યોજી અને આ દરમિયાન આરોપીએ વેપારીને નકલી વેબસાઈટ બતાવીને તેનો વિશ્વાસ જીતી લીધો. આ બાદ વેપારીએ ધીમે ધીમે આરોપીને 20 લાખ રૂપિયાથી વધુની રકમ આપી હતી. આ પછી આરોપીએ તેના કોલ ઉપાડવાનું બંધ કરી દીધું. જેથી વેપારીએ દેહરાદૂનના સાયબર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

10 રાજ્યોમાં લગભગ 892 કેસ નોંધાયેલા

દેહરાદૂન ડીસીપી (સાયબર પોલીસ) અંકુશ મિશ્રાના જણાવ્યા અનુસાર, “4 ઓક્ટોબરે આરોપી ઋષભ શર્મા વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને આઈટી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે આરોપીના બેંક ખાતાની વિગતો શોધી કાઢી ત્યારે તેમને જાણવા મળ્યું કે તે ગુરુગ્રામમાં છે. આ પછી સાયબર પોલીસની એક ટીમ ત્યાં તપાસ કરવા ગઈ હતી. 28 ઓક્ટોબરે પોલીસે ગુરુગ્રામના સેક્ટર 9માંથી આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન જે ખુલાસો થયો તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ સામે 10 રાજ્યોમાં 37 કેસ નોંધાયેલા છે અને તે 855 કેસમાં સહઆરોપી છે. આમ તેની સામે 892 કેસમાં તપાસ ચાલી રહી છે.

આ પ્રકારની છેતરપિંડી કેવી રીતે કરવામાં આવે છે?

આ પ્રકારની સાયબર છેતરપિંડી માટે, છેતરપિંડી કરનારાઓ પહેલા તેમના લક્ષ્યને શોધે છે. તેઓ તેને કોલ કરે છે અથવા વોટ્સએપ કરે છે અને યુટ્યુબ લાઈક્સ કે પેઈડ રિવ્યુ લખવાના બદલામાં પૈસાની લાલચ આપે છે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે, તેઓ નાની ચૂકવણી પર ઊંચું વળતર આપે છે. આ પછી તેઓ મોટી ચૂકવણી માટે કોઈપણ સમસ્યા વિશે જણાવે છે. આ પછી, પીડિતો પાસેથી અલગ-અલગ પ્રસંગોએ પૈસા ટ્રાન્સફર કરાવે છે અને વારંવાર ખાતરી આપે છે કે આખા પૈસા એક સાથે મળી જશે, પરંતુ આવું ક્યારેય થતું નથી. લોકો તેમની જાળમાં ફસાય છે અને તેમની મહેનતના પૈસા વેડફાય છે. કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે લોભથી કંઈ ન કરવું. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે.

આ પણ જાણો ;સાયબર ગઠિયાઓની નવી રીત, ઈ-મેમો દ્વારા કરી રહ્યા છે ઠગાઈ

Back to top button