ડીસામાં N.A કર્યા વિનાની જમીનમાં બનાવેલી 10 દુકાનો સીલ, રહેણાંકમાં ક્યારે પગલાં લેવાશે?
પાલનપુર 20 માર્ચ 2024: ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બનાવેલ દુકાનો સીલ કરાઇ છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ ખેતર માલિક દ્વારા દુકાનોના કોઈજ આધાર પુરાવા રજુ ન કરતા આજે નગરપાલિકાએ તમામ દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, રહેણાંક અને માર્કેટમાં પણ આ પ્રકારે ગેરકાયદે બાંધકામ થયેલું છે તો એની સામે એક્શન ક્યારે લેવાશે.
ડીસામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે ત્યારે બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ ખેતરમાં રીતે પણ ખેતીની જમીનમાં 10 જેટલી દુકાનો બનાવી હતી. ખેતીની જમીન પર એનએ કરાવ્યા વગર ખેતરમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી હતી. જે મામલે જાગૃત નાગરિકે વાંધા અરજી કરતા નગરપાલિકાએ આ મામલે ખેતર માલીકને નોટીસ આપી હતી અને તેમની પાસેથી જરૂરી આધાર પુરાવા મળ્યા હતા.
પરંતુ ગેરકાયદેસર બાંધકામો હોવાથી ખેતર માલિકે દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરા રજૂ કરી શક્યા ન હતા. ત્યાર બાદ ફરી નગરપાલિકાએ નોટિસ આપી સાત દિવસમાં દુકાનમાંથી તમામ સામાન હટાવી લેવા માટેની નોટિસ ફટકારી હતી તેમજ આજે ડીસા નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તમામ 10 દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના રહેણાંક વિસ્તારમાં અનેક મકાનોમાં ગેરકાયદે બાંધકામો થયાં છે અને અનેક મકાને ગેરકાયદેસર રીતે બંધાયા છે. બીજી તરફ શહેરના માર્કેટમાં પણ અનેક દુકાનોના બાંધકામ પણ ગેરકાયદેસર રીતે થયાં છે તો તેની સામે પાલિકા દ્વારા ક્યારે એક્શન લેવાશે એવી ચર્ચાઓ શહેરમાં શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં માઇનિંગ પ્રોજેકટ માટે ભાજપને ઈલેક્ટોરલ બોન્ડથી 70 કરોડનું ફંડ મળ્યુંઃ કોંગ્રેસ