વર્લ્ડ

માલાવીના ઉપપ્રમુખ સહિત 10 લોકો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા, પ્રમુખે કરી પુષ્ટિ

  • માલાવીના ઉપપ્રમુખ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું, માલાવીના પ્રમુખ લાઝારસ ચકવેરાએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન દરમિયાન આપી આ માહિતી

જોહાનિસબર્ગ, 11 જૂન: માલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. માલાવીના પ્રમુખ લાઝારસ ચકવેરાએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે ગુમ થયેલા માલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમાને લઈ જતા પ્લેનમાં સવાર દરેક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં ઉપપ્રમુખ સાઉલોસ ક્લાઉસ ચિલિમા સિવાય 9 અન્ય લોકો સવાર હતા. બધાને લઈને વિમાને સોમવારે લિલોંગવેથી ઉડાન ભરી હતી. પ્લેન મઝુઝુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને પછી પ્લેન રડારની પહોંચની બહાર થઈ ગયું હતું.

સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું

માલાવીના ઉપપ્રમુખ અને માલાવીની ભૂતપૂર્વ પ્રથમ મહિલા નાગરીકને લઈ જતું એક સૈન્ય વિમાન સોમવારે બ્લેન્ટાયર નજીક લાપતા થઈ ગયું હતું. દેશના સૈનિકો ગુમ થયેલા વિમાનની શોધમાં પર્વતીય જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. જો કે આજે સર્ચ ઓપરેશન દરમિયાન પ્લેન જંગલોમાં ક્રેશ થયેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રમુખ લાઝારસ ચકવેરાએ પોતે આજે આ ઘટના અંગે માહિતી આપી હતી. પ્રમુખ લાઝારસ ચકવેરાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે કોઈ પણ જીવિત મળ્યું નથી. વિમાનમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા છે.

ગઈકાલથી ગુમ હતું વિમાન

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપપ્રમુખ સોલોસ ચિલિમા (51), પૂર્વ પ્રથમ મહિલા શાનિલે જિમ્બીરી અને અન્ય 8 લોકોને લઈને વિમાન સોમવારે સવારે 9.17 વાગ્યે દક્ષિણ આફ્રિકાના આ દેશની રાજધાની લિલોંગવેથી રવાના થયું હતું. વિમાન લગભગ 45 મિનિટ પછી રાજધાનીથી 370 કિલોમીટર દૂર મઝુઝુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાનું હતું. ચકવેરાએ રાજ્યની ટેલિવિઝન ચેનલ MBC પર પ્રસારિત કરેલા તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલરે જાણ કરી હતી કે ખરાબ હવામાનને કારણે પ્લેન લેન્ડ થયું નથી અને પરત ફર્યું છે. તેમણે કહ્યું કે એર ટ્રાફિક કંટ્રોલર્સનો પ્લેન સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તે થોડી જ વારમાં રડારની પહોંચથી બહાર થઈ ગયું હતું.

આ પણ વાંચો: ઓક્સફર્ડ યુનિવર્સિટી 500 વર્ષ જૂની હિન્દુ સંતની મૂર્તિ ભારતને કરશે પરત, જાણો ક્યાંથી ચોરાઈ હતી

Back to top button