ગુજરાત

ભાણવડ નજીક 10 લાખની લૂંટની ઘટનાનો ઉકેલાયો ભેદ, જાણો કોનુ તરકટ હતું ?

Text To Speech

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયા પાસે ધોળે દહાડે લૂંટ ની ઘટનાને અંજામ અપાયો હોવાનું અને પેટ્રોલ પંપ ના સંચાલક ની કારને આંતરી ત્રણ બાઈક સવારો રૂપિયા 10 લાખની રોકડની લૂંટ ચલાવી ભાગી છૂટયા હોવાનું જાહેર કરાયું હતું, જેમાં પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં આ લૂંટની ઘટના જાહેર કરનારે જાતેજ તરક્ટ રચીને ઊભી કરી હોવાનું જાણવા મળ્યું છે, અને તેના ઘરમાંથી રોકડ મળી આવી છે. જેણે ભાડુતી માણસો મારફતે લૂંટની ઘટનાને અંજામ આપ્યાનું ખુલતાં પોલીસે તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભાણવડમાં ત્રણ પાટિયા પાસે પેટ્રોલ પંપ ચલાવતા પૃથ્વી વાઘેલા નામના યુવાને સોમવારે બપોરે જાહેર કર્યું હતું, કે પોતે ભાણવડ ત્રણ પાટીયા પાસેથી પોતાની કાર લઇને પસાર થઇ રહ્યો હતો, તે દરમિયાન ત્રણ બાઇકમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા, અને પોતાની કારને છરીની અણીએ થોભાવી દેવાની ફરજ પાડી હતી, અને ત્યાર પછી લૂંટારુ શખ્સોએ પોતાની સાથે રહેલી રૂપિયા 10 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા.
જેની જાણ પોલીસને થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરમાં નાકાબંધી કરાઇ હતી, અને સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટુકડી દોડતી થઇ હતી.

પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરાયા પછી એલ.સી.બી. ની ટિમ દ્વારા લૂંટ ની ઘટના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી, અને જાહેર કરનાર પૃથ્વી વાઘેલા કે તેની ઉલટ તપાસ કરવામાં આવતાં તેના દ્વારા આ લૂંટનું તરકટ રચ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા તેના ઘરની તલાશી લેતાં લૂંટમાં ગયેલી રકમ તેના ઘરમાંથી જ મળી આવી હતી. એટલું જ માત્ર નહીં પોતે જ ભાડુતી માણસો તૈયાર કરીને રાખ્યા હોવાનું અને લૂંટ નો પ્લાન ઘડી કાઢ્યો હોવાનું પોલીસને જાણવા મળતાં આખરે પોલીસ દ્વારા તેની સામેજ ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ બનાવને લઇને ભાણવડ પંથકમાં ભારે ચકચાર જાગી છે.

Back to top button