બેંગલુરુ બ્લાસ્ટના આરોપીઓ પર 10 લાખનું રોકડ ઈનામ, NIAએ તસવીર જાહેર કરી
બેંગલુરુ (કર્ણાટક), 06 માર્ચ: બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ હુમલાખોર પર ઈનામ જાહેર કર્યું છે. જે કોઈપણ હુમલાખોર વિશે માહિતી આપશે તેને 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. જો કે, હુમલાખોર વિશે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. 01 માર્ચના રોજ પૂર્વ બેંગલુરુના બ્રુકફિલ્ડમાં રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. આ બ્લાસ્ટની તપાસ NIAને સોંપવામાં આવી હતી. કેપ, માસ્ક અને ચશ્મા પહેરેલા વ્યક્તિ આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છે અને તેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
રામેશ્વરમ કાફે બ્લાસ્ટ બાદ 08 માર્ચે ફરી ખુલશે
આ ઘટનામાં હજુ સુધી શંકમદ શખ્સ ઝડપાયો નથી. આ કેસમાં સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA બંને તપાસમાં લાગેલા છે. મંગળવારે ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIAએ આ મામલાની જવાબદારી સોંપાઈ છે. અગાઉ કર્ણાટક સરકારે કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપી ન હતી. આ મામલે કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ જણાવ્યું હતું કે શહેર પોલીસ કડક તપાસ કરી રહી છે. તે ટૂંક સમયમાં આ બાબતનો ખુલાસો કરશે. કેસની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. રામેશ્વરમ કાફે બ્લાસ્ટ બાદથી બંધ છે અને હવે તે 8 માર્ચે જ ખુલશે.
ઉલ્લેખનીય છે કે, બેંગલુરુના આ પ્રખ્યાત કાફેમાં 01 માર્ચે લંચ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 10 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જો કે તમામનો જીવ બચી ગયો હતો. આ કેસની તપાસ કરતાં સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે બ્લાસ્ટના એક કલાક પહેલા એક યુવક કાફેમાં આવ્યો હતો. તે થોડીવાર ત્યાં રહ્યો અને પછી એક બેગ પાછળ છોડીને ચાલ્યો ગયો. એવું માનવામાં આવે છે કે જે બેગમાં ટાઈમર સેટ કરવામાં આવ્યું હતું તેમાં IED હતું. આરોપીએ કાફેમાં ઈડલીની પ્લેટ મંગાવી હતી, પરંતુ પ્લેટ તૈયાર થાય તે પહેલા જ ત્યાંથી નીકળી ગયો હતો. હાલ NIA તપાસમાં લાગી ચૂકી છે.
આ પણ વાંચો: ગૃહ મંત્રાલયે બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટની તપાસ NIAને સોંપી