ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં 10 કિલો મીટરનો ટ્રાફિકજામ, જાણો કેમ!
- 8 થી 10 કલાક સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ રહી
- કેશરિયાજી નજીક તળાવ ફાટતાં પાણી નેશનલ હાઈવે પર ફરી વળ્યું
- રાજસ્થાનથી ગુજરાતમાં આવતાં વાહનો પણ કેશરિયાજી પાસે અટવાઈ ગયા
ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં 10 કિલો મીટરનો ટ્રાફિકજામ થયો હતો. જેમાં કેસરિયાજી પાસે તળાવ ફાટતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે નદીમાં ફેરવાયો હતો. હાઈવે ઉપર હોટલો, પેટ્રોલપંપો આગળ વાહનોની કતારો લાગી ગઈ છે. 8 કલાકથી વધુ સમય નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. રાજસ્થાનમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સિઝનનો 35.53 ઈંચ વરસાદ પડ્યો, જાણો કયા કેટલી થઇ મેઘમહેર
રાજસ્થાનથી ગુજરાતમાં આવતાં વાહનો પણ કેશરિયાજી પાસે અટવાઈ ગયાં
કેશરિયાજી નજીક તળાવ ફાટતાં તેના ધસમસતા પાણી અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ફરી વળતાં હાઈવે રીતસર નદીમાં ફરેવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાતાં વાહન વ્યવહાર પ્રભાવિત ગયો છે. આ માર્ગ પર 10 કિ.મી સુધી ટ્રાફિક જામ થઈ જતાં ગુજરાત તરફથી રાજસ્થાનમાં તરફ જતાં અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયાં છે. જ્યારે રાજસ્થાનથી ગુજરાતમાં આવતાં વાહનો પણ કેશરિયાજી પાસે અટવાઈ ગયાં છે. 8 કલાકથી વધુ સમય નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતાં અનેક ગુજરાતીઓ ફસાયા હતા. અમદાવાદ-ઉદયપુર હાઈવે પર બુધવાર સવારથી લાંબો ટ્રાફિક જામ થયો હતો.
કેશરિયાજી નજીક તળાવ ફાટતાં પાણી નેશનલ હાઈવે પર ફરી વળ્યું
અતિભારે વરસાદને કારણે કેશરિયાજી નજીક તળાવ ફાટતાં પાણી નેશનલ હાઈવે પર ફરી વળ્યું હતું. સતત વાહનોની અવર-જવરથી ધમધમતો નેશનલ હાઈવે નં.48 નદીમાં ફેરવાઈ ગયો હતો અને હાઈવે પર 5 ફૂટ જેટલાં પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ઉદયપુર જિલ્લાના પરસાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સવારે 7 વાગ્યાથી ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. હાઈવે પર પાણી ફરી વળતાં શરૂઆતમાં વાહનો અટકી-અટકીને ચાલી રહ્યા હતા અને બાદમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફના માર્ગે 10 કિ.મી સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતાં જ 2 હજાર કરતાં વધુ વાહનો હાઈવે પર અટકવાઈ ગયા હતા. કેટલાક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને રસ્તામાં જ બંધ પડી ગયા હતા.
8 થી 10 કલાક સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ રહી
અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ થતાં ગુજરાતથી રાજસ્થાનમાં જતાં અનેક વાહનો અટવાઈ ગયાં હતા. બીજી તરફ દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં આવતાં વાહનો પણ રાજસ્થાનમાં અટવાઈ ગયાં હતા. હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે 8 થી 10 કલાક સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી.