શિક્ષણ અને જાહેર રોજગારમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા આરક્ષણ રજૂ કરતા 103મા બંધારણીય સુધારાની માન્યતા નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટ સોમવાર, 7 નવેમ્બરે તેનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગયા મહિને 103મા બંધારણીય સુધારાને પડકારતી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે આગામી સોમવારે આ પ્રકરણમાં શું ચર્ચા કરવામાં આવશે અને કોર્ટ શું અવલોકન કરશે ? તેમજ તેના ઉપર શું ટિપ્પણી કરવામાં આવે છે ? તેના ઉપર સૌની નજર મંડરાયેલી છે.
શું સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ, EWS ક્વોટા જાન્યુઆરી 2019માં 103મા બંધારણીય સુધારા હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પાંચ જજોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એસસી, એસટી અને ઓબીસીમાં પણ ગરીબ લોકો છે તો પછી આ અનામત સામાન્ય વર્ગના લોકોને જ કેમ આપવામાં આવે છે. આ 50 ટકા અનામતના નિયમનું ઉલ્લંઘન કરે છે. પહેલાથી જ OBC માટે 27 ટકા, SC માટે 15 ટકા અને ST માટે 7.5 ટકા ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં, 10 ટકાનો EWS ક્વોટા 50 ટકાના નિયમનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટ સોમવારે સવારે 10.30 વાગ્યે 10% EWS ક્વોટા કાયદાની માન્યતા પર પોતાનો ચુકાદો આપશે. CJI ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ બે અલગ-અલગ ચુકાદા આપશે.
પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી
આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની પાંચ જજોની બેન્ચે કરી હતી. ચીફ જસ્ટિસ યુયુ લલિત 8 નવેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થવાના છે. આવી સ્થિતિમાં આ મામલે નિર્ણય 7 નવેમ્બરે જ આવી શકે છે.