10 જિલ્લાની પોલીસ, 2 RAF અને 15 PAC.. શુક્રવારની નમાઝ પૂર્વે સંભલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
સંભલ, 29 નવેમ્બર : ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને ગયા રવિવારે હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે, મસ્જિદનો સર્વે પૂર્ણ થઈ ગયો હતો, જેનો રિપોર્ટ શુક્રવારે એટલે કે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંભલમાં આજે પોલીસ એલર્ટ મોડમાં છે. શુક્રવારની નમાજ પહેલા શહેરના દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત કરવામાં આવે છે.
સંભલમાં આજે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. PACની 15 કંપનીઓ અને RAFની 2 કંપનીઓ શહેરમાં તૈનાત છે. 10 જિલ્લાની પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત એન્ટી રાઈટ સ્કવોડની ટીમ શહેરમાં ખાસ તકેદારી રાખી રહી છે. મસ્જિદની આસપાસના વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
ઇન્ટરનેટ સેવા અચોક્કસ મુદ્દત માટે બંધ
શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બોડી કેમેરા સાથે પોલીસકર્મીઓ તૈનાત છે. BNS ની કલમ 163 લાગુ છે. ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. ઇન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે બંધ છે. જામા મસ્જિદની બહાર નમાઝ પઢવાની મનાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મસ્જિદની અંદર જ પૂજા કરવાની મંજૂરી છે.
સ્થાનિકોને જ મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી
એક અધિકારીએ જણાવ્યું કે, માત્ર સ્થાનિક લોકોને જ જામા મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી છે. મસ્જિદના તમામ દરવાજા પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ નજીકના ઘરોની છત પર તૈનાત છે. 50થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
શાહી જામા મસ્જિદમાં સર્વે બાદ હિંસા ફાટી નીકળી
સંભલની શાહી જામા મસ્જિદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે પહેલા અહીં હરિહર મંદિર હતું. કોર્ટે આ અંગે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ગયા રવિવારે સવારે 7 વાગ્યે મસ્જિદનો સર્વે શરૂ થયો હતો. લગભગ બે કલાકમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આ દરમિયાન મસ્જિદની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન કેટલાક બદમાશોએ રસ્તા પર ગોળીબાર કર્યો હતો. આવી સ્થિતિમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરવી પડી હતી. હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જોકે, હિંસા બાદ શહેરમાં સ્થિતિ ધીમે ધીમે પાટા પર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે બજારો ખુલ્યા હતા, પરંતુ ત્યાં વધુ ગતિવિધિ જોવા મળી ન હતી. બુલિયન વેપારી અજય કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર શહેરમાં અશાંતિ બાદ જ્વેલરીના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બુલિયન માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઈલેક્ટ્રોનિક શોપના માલિક ખુશનવાઝના કહેવા પ્રમાણે, દુકાનમાં બહુ ઓછા ગ્રાહકો આવી રહ્યા છે.
આ પણ વાંચો :- Video : બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને મંદિર જતો રોકી ઉઠક બેઠક કરાવવામાં આવી