પેપરલીક કાંડમાં 15 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર
તાજેતરમાં ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટયું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાઈ ગયું હતું. ગત રવિવારે વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 5 પરપ્રાંતીય સહિત 16 આરોપીની ધરપકડ કરી છે. જેમાં ગુજરાત, બિહાર અને ઓરિસ્સામાં પેપર લીક થવાનું કનેક્શન સામે આવ્યું છે. આ પ્રકરણમાં આજે સોમવારે 15 આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ATSએ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ આગામી 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રહેશે.
પુછપરછમાં અનેક નામો સામે આવશે
ગત રવિવારે યોજાનાર જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું જેથી તે રદ્દ કરવામાં આવી હતી. દરમિયાન તેમાં 15 શખસો ઝડપાયા હતા જેને લઈ હવે ATS હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને વધુ તપાસ કરી શકે છે. દરમિયાન વડોદરા અને ઉત્તર ગુજરાતના વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતા છે. આ સમગ્ર પ્રકરણમાં અંગત બતમીદારો પાસેથી મળેલી માહિતી અનુસાર ATSની ટીમ મુખ્ય સૂત્રધાર જીત નાયકને હૈદરાબાદથી અમદાવાદ લઈને આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે જીત નાયકે પેપરની ચોરી કરીને પેપર પ્રદીપને આપ્યું હતું. જેની વધુ તપાસમાં આ પેપરલીક કાંડમાં પ્રાંતિજના વદરાડ ગામના હાર્દિક શર્માની સંડોવણી સામે આવી હતી ત્યારે તેની તપાસમાં હાર્દિક શર્મા ખાનગી નર્સીંગ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું.