અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MORNING NEWS CAPSULEમાં વાંચો ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા 1નું મોત,હિમાચલમાં 71ના મોત, જાણો ચંદ્રયાન-3 ક્યારે ચંદ્રની સપાટી પર ઉતરશે અને શું શોધશે

આજથી શ્રાવણ માસનો પ્રારંભ
આજથી શિવભક્તિનો મહોત્સવ એવો પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઊમટશે. દેશ-વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં રહેવા, જમવા, પાર્કિંગ, પૂજા, મંત્રજાપની સુવિધાઓથી લઈ ઓનલાઇન દર્શન અને પૂજા તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટિઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શંખ સર્કલથી સોમનાથ આવતા માર્ગને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હેઠળ વન વે કરવામાં આવ્યો છે. આવનાર વાહનો પાર્કિગમાંથી પાછળના ભાગે સદભાવના ગ્રાઉન્ડ તરફના માર્ગ પરથી બહાર નીકળશે. પાર્કિંગમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાંથી લોકોને સૂચનાઓ તેમજ મંદિર સુધી જવા માટે નિ:શુલ્ક વાહન વ્યવસ્થા કરી આપવામાં આવશે.

    

ભરૂચમાં જર્જરિત ઇમારત ધરાશાયી
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. ઘટનાને પગલે અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અહીં દોડી આવ્યા હતા, અને પાલિકા ફાયરબ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કઢ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું દટાઈ જવાને કારણે મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે,વહેલી સવારે બનેલી ઘટના બાદ કાટમાળ હટાવવો ખુબ મુશ્કેલ બની રહ્યો હતો. ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિએ રેસ્ક્યુ ઓપરેશન માટે જવાબદારી ઉપાડી હતી. પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પાલિકાના પક્ષના નેતા રાજશેખરભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા તાર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. કમનશીબે 38 વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીની છબી સુધારવાનો નિરજા ગુપ્તાનો પ્રયાસ
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ નિરજા ગુપ્તાએ આવતાની સાથે જ યુનિવર્સિટીની છબી સુધારવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા HPP કોર્ષ પર યુનિવર્સિટી પોતાનું નિયંત્રણ લાવવા જઈ રહી છે. હવેથી HPP કોર્ષના ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ જે તે વિભાગના કો-ઓર્ડીનેટર અને નોલેજ પાર્ટનર ઈશ્યુ નહીં કરી શકે. મહત્વનું છે કે, HPP એટલે કે હાયર પેમેન્ટ પ્રોગ્રામ. ગુજરાત યુનિવર્સિટીમાં આવા આશરે 40થી 50 જેટલા કોર્ષ ચાલે છે. આ કોર્ષની ફી સામાન્ય ફી કરતા પ્રમાણમાં થોડી વધારે હોય છે. આ કોર્ષમાં ડિપ્લોમા અને ડીગ્રી કોર્ષના સર્ટિફિકેટ જે તે વિભાગના કોર્ડીનેટર તથા નોલેજ પાર્ટનર તરફથી આપવામાં આવતા હતા, જેના પર હવે રોક લગાવવામાં આવી છે.

ચંદ્રયાન-3 હવે ચંદ્રથી એક ડગલું દૂર
ISRO આજે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર અને રોવરથી અલગ કરશે. હવે પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરવા માટે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં 3-6 મહિના સુધી રહેશે જ્યારે લેન્ડર-રોવર 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે. અહીં તે14 દિવસ સુધી પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે.અત્યારે ચંદ્રયાન એક ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 153 કિમી અને મહત્તમ અંતર 163 કિમી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ 16 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8:30 વાગ્યે થોડા સમય માટે યાનના થ્રસ્ટરને ફાયર કર્યુ હતુ. આ પછી ચંદ્રયાન લગભગ 153 કિમી X 163 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આવી ગયું હતું. અગાઉ તે 150 કિમી x 177 કિમીની ઓર્બિટમાં હતું.

હિમાચલમાં 4 દિવસમાં 71 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં રાજ્યને 7500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સિવાય સમગ્ર સિઝનમાં અત્યાર સુધીમાં 327 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1700થી વધુ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી 6600 કરોડ રૂપિયાની સહાયની માંગ કરી છે.હિમાચલમાં સફરજનપો પાક લેતા ખેડૂતોને આ વર્ષે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. ભારે વરસાદને કારણે બગીચામાં તૈયાર થતા સફરજન ખરી પડ્યા અને તેનું ઉત્પાદન પણ ઘટી ગયું. હિમાચલ દર વર્ષે સફરજનના 3-4 કરોડ બોક્સનું ઉત્પાદન કરે છે. આ વખતે માત્ર એકથી 1.50 કરોડ બોક્સ જ થવાનો અંદાજ છે.બીજી તરફ, બુધવારે ઓડિશાના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. બાલાસોરમાં ત્રણ અને ભદ્રક જિલ્લામાં એકનું મોત થયું હતું. બીજી તરફ મયુરભંજ જિલ્લામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.

ચીન હવે બેરોજગારીના આંકડા જાહેર નહીં કરે
કોરોના મહામારીને લઈને દુનિયાને અંધારામાં રાખનાર ચીન ફરી એકવાર આવું જ કરવા જઈ રહ્યું છે. ફરક માત્ર એટલો છે કે અગાઉ તે મેડિકલ ઇમરજન્સી અને આ વખતે આર્થિક. હવે ચીને નિર્ણય લીધો છે કે તે ઓગસ્ટથી યુવા બેરોજગારી દરના આંકડા જાહેર નહીં કરે. ચીનમાં યુવા બેરોજગારી એપ્રિલથી નવા રેકોર્ડ બનાવી રહી છે.આ દર એપ્રિલમાં 20.4%, મેમાં 20.5%, જૂનમાં 21.3% અને જુલાઈમાં 21.3% નોંધાયો હતો. સ્થિતિ એવી છે કે 16 થી 24 વર્ષની વયજૂથના લોકોને રોજગાર મેળવવો મુશ્કેલ બની ગયો છે.ચીનની સરકારે યુવાનોને કહ્યું છે કે મોટા સપના જોવાને બદલે તેમને જે કામ મળી રહ્યું છે તેનાથી તેઓ સંતુષ્ટ રહે. ચીનના નેશનલ બ્યુરો સ્ટેટિસ્ટિક્સે 2018થી યુવા બેરોજગારી દરના ડેટા જાહેર કરવાનું શરૂ કર્યું.જુલાઈમાં આંકડા બહાર આવ્યા બાદ સૌથી ખરાબ સ્થિતિ સામે આવી છે. બ્યુરોના પ્રવક્તા ફુ લિંગુઈએ કહ્યું કે ઓગસ્ટથી સરકાર વય આધારિત બેરોજગારીનો ડેટા જાહેર કરશે નહીં. તેમનું કહેવું છે કે અમે વિચારી રહ્યા છીએ કે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને લેબર ફોર્સના આંકડામાં સામેલ કરવા જોઈએ કે નહીં. સરકાર ભલે ગમે તેટલી સ્પષ્ટતા આપે, પરંતુ રોકાણકારો અને દુનિયાભરના લોકો માટે એ જાણવું મુશ્કેલ બનશે કે ચીનમાં શું ચાલી રહ્યું છે?

‘ગદર 2’ની સફળ બાદ સની દેઓલ થયા ભાવુક
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર-2′ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મે રિલીઝના 5 દિવસમાં 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ દરમિયાન સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થયો છે, જેમાં તે પોતાની ટીમ સાથે ફિલ્મની સફળતાની ઉજવણી કરે છે.’ગદર-2’એ રિલીઝના પાંચમા દિવસે પણ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે સ્વતંત્રતા દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે 15 ઓગસ્ટે આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મનું કુલ કલેક્શન 229 કરોડથી વધુ છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, ફિલ્મે દુનિયાભરમાં 290.59 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ટૂંક સમયમાં તે 300 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.’ગદર-2’ આ મહિનાની 11 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ ફરી એકવાર તારા સિંહના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2001માં આવેલી ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સિક્વલ છે. ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ સાથે ઉત્કર્ષ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે.

Back to top button