પટના એરપોર્ટ પર CM આવતા હોવાનું જણાવી વેપારી સાથે 1.84 લાખની છેતરપીંડી
- બિહારની રાજધાની પટનામાં છેતરપિંડીનો અનોખો કિસ્સો
- એરપોર્ટ ઓફિસરની ઓળખ આપીને દુકાનદાર સાથે છેતરપીંડી કરી
- સીએમ આવી રહ્યા હોવાનું જણાવી દુકાનદાર પાસેથી પાંચ ઇન્વર્ટર અને પાંચ બેટરી મંગાવી
પટના, 08 ડિસેમ્બર: બિહારમાં એક પછી એક છેતરપિંડીના મામલા બની રહ્યા છે. પહેલા બિહારના જમુઈમાં સાયબર ઠગો એસડીઓ તરીકેની ઓળખ આપીને એક વ્યક્તિના ખાતામાંથી 7 લાખ રૂપિયા ચોરી ગયા હતા અને હવે પટનામાં પાંચ ઇન્વર્ટર અને પાંચ બેટરીની છેતરપિંડીની ઘટના બની છે. આ ઘટના પટના એરપોર્ટ પોલીસ સ્ટેશનની છે.
બિહારમાં છેતરપીંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ઠગો દ્વારા અવનવા કીમીયા અજમાવીને લોકોને છેતરવામાં આવે છે. પટનામાં છેતરપીંડીનો અનોખો બનાવ બન્યો છે. છેતરપિંડી કરનારે એક દુકાનદારને તેના મોબાઈલ પર ફોન કર્યો અને કહ્યું હતું કે, હું પટના એરપોર્ટથી વાત કરું છું. પટના એરપોર્ટના સર્વર બિલ્ડિંગ માટે પાંચ 5 ઇન્વર્ટર અને 5 બેટરીની જરૂર છે. બિહારના સીએમ અહીં આવવાના છે. બંને વસ્તુઓ માટે કોટેશન મોકલો. કોટેશન મળ્યા પછી વ્યક્તિએ ફોન પર જ ઓર્ડર મોકલવાનું કહ્યું હતું. આ પછી દુકાનદારે એરપોર્ટ પર 5 બેટરી અને 5 ઇન્વર્ટર મોકલ્યા હતા. બંને સામાન એરપોર્ટ પર પહોંચે તે પહેલા ઓર્ડર આપનાર વ્યક્તિ કારમાં સુધા દૂધ ડેરી પાસે પહોંચી ગયો હતો અને સામાન લઈને ડ્રાઈવરને 1 લાખ 84 હજાર 500 રૂપિયાનો ચેક આપ્યો હતો.
ચેક બેંકમાં જમા કર્યો ત્યારે…
બીજા દિવસે જ્યારે દુકાનદારે બેંકમાં ચેક જમા કરાવ્યો તો તેને ખબર પડી કે ખાતામાં પૈસા નથી. આ પછી દુકાનદારે ઓર્ડર આપનાર વ્યક્તિને ફોન કર્યો તો તેણે કહ્યું કે, આ તો સરકારી કામ છે, પૈસા લેવા માટે તમારે થોડા પૈસા ખર્ચવા પડશે. ફોન કરનારે 10,000 રૂપિયાની માંગણી કરી અને ફોન પે અથવા ગૂગલ પે દ્વારા પૈસા મોકલવાનું કહ્યું. આ પછી દુકાનદારને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. 17મી નવેમ્બરે દુકાનદાર સાથે છેતરપિંડી થઈ હતી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી
આ રીતે પકડાયો ઠગ
આ પછી 27 નવેમ્બરે ઇન્વર્ટર-બેટરી વેચતા એક અન્ય દુકાનદારને પણ આવો જ ફોન આવ્યો હતો. યોગાનુયોગ એ દુકાનદાર અગાઉના પીડિત દુકાનદારને ઓળખતો હતો. તેની પાસે દુકાનદાર સાથે થયેલી છેતરપિંડીની માહિતી પણ હતી. બીજા દુકાનદારે પહેલા દુકાનદાર સાથે મળીને પ્લાન બનાવ્યો અને પછી ખાલી બેટરી બોક્સ કારમાં ભરીને ત્યાં પહોંચી ગયો. આ વખતે પણ એ જ યુવક સામાન લેવા આવ્યો હતો. ત્યારબાદ બંને દુકાનદારોએ તેને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો હતો અને પછી તેને પોલીસને હવાલે કર્યો હતો.પકડાયેલા યુવકની ઓળખ અભિષેક તરીકે થઈ છે. ભારે મુશ્કેલીથી દુકાનદારે પોલીસ સ્ટેશનમાં બેટરી અને ઇન્વર્ટરના પૈસા મેળવ્યા હતા. પોલીસ આ ફ્રોડ ગેંગના લીડર વિજય કુમારને શોધી રહી છે.
આ પણ વાંચો, IND vs AUS: ખરાબ પીચને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ?