ગુજરાત

ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંકની એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સાથે રોકાણના બહાને 1.54 કરોડની ઠગાઈ, એકની ધરપકડ

Text To Speech

ભરૂચઃ આંગણવાડી મંડળની પ્રમુખ અને ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંકની એજ્યુકેશન ઇન્સ્પેકટર સહિત તેમની મિત્ર સાથે રોકાણના બહાને 1.54 કરોડની ઠગાઈમાં એ ડિવિઝન પોલીસે વધુ એક ભેજાબાજને ઝડપી લીધો છે.

ભરૂચની મંગલજ્યોત સોસાયટીમાં રહેતા નિરૂબેન સુરેશ આહીર ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકમાં એજ્યુકેશન ઇનસ્પકેટર તરીકે ફરજ બજાવે છે. જેઓ યશોદા મૈયા વર્કર એન્ડ હેલ્પર આંગણવાડી પણ ચલાવે છે. વર્ષ 2020માં તેમની 25 વર્ષ જુની બહેનપણી મંગલેશ્વર ગામના નયનાબેન જ્યંતી ટેલર થકી ગણેશ ટેલર સાથે મુલાકાત કરાવી હતી. જે આત્મીય ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને મુંબઈમાં માઈક્રો બેંક ચલાવતા હતા.

ગણેશ પટેલે રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સામે 4થી સાડા ચાર ટકા વળતરનું જણાવી નિરુબેન, તેમની દીકરી દ્રષ્ટિ, જમાઈ ધ્રુવ પટેલના રૂપિયા 1 કરોડ 45 લાખની રકમનું અને નયનાબેનના 14 લાખનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ ત્રણ-ચાર મહિના વળતર આપ્યા બાદ નહીં ચૂકવતા તેની સામે ગણેશ પટેલે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. અંતે નિરુબેન આહીરે ડિવિઝન ખાતે મંગલેશ્વરના ગણેશ પટેલ સામે 1.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જે ગુનામાં એ ડિવિઝન પોલીસે અગાઉ ગણેશ પટેલને ઝડપી લીધા બાદ નિશિત મહિડા નામના બીજા આરોપીને પકડી પાડ્યો છે.

Back to top button