ગાંધીનગર, 10 જુલાઈ 2024, આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારની 100 ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.
૨.૫૭ કરોડ પશુઓનું ઈયર ટેગિંગ
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૫.૫૩ લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, ૬૨ લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, ૪૪ લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, ૧.૬૬ લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા ૧.૫૪ કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ કરાયું છે. આ ઉપરાંત ઈયર ટેગીંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અવ્વલ છે. અત્યાર સુધીમાં ૨.૪૬ કરોડ મોટા પશુઓ અને ૧૧ લાખ ઘેટાં-બકરા મળીને કુલ ૨.૫૭ કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃગુજરાતના CRPF જવાન રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી સન્માનિત થયા, જાણો સાહસની કહાની