₹4716 કરોડના નકલી GST ઇન્વોઇસ રેકેટનો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયા
કોલકાતા (પશ્ચિમ બંગાળ), 2 ડિસેમ્બર, 2023: બંગાળના કોમર્શિયલ ટેક્સ ડિરેક્ટોરેટ (સ્ટેટ GST) એ 4,716 કરોડ રૂપિયાના નકલી GST બિલ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. શુક્રવારે આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. 1941 પછી ડિરેક્ટોરેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તેમના ઈન્વેસ્ટિગેશન બ્યુરો હેઠળ સીધી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ધરપકડ માટે પોલીસની મદદ લેવામાં આવી હતી.
બંગાળમાં 178 નકલી કંપનીઓનું નેટવર્ક
કોમર્શિયલ ટેક્સ ડિરેક્ટોરેટના કમિશનર ખાલિદ અનવરના કહ્યા પ્રમાણે, બંને રેકેટમાં રૂ. 801 કરોડની જંગી કરચોરી સામેલ છે.એડિશનલ કમિશનર સુદેષ્ણા મુખોપાધ્યાયે જણાવ્યું કે આ બે રેકેટમાં સામેલ કુલ ટર્નઓવર રૂ. 4,716 કરોડ છે. તપાસમાં બહાર આવ્યું છે કે ચાર ઑપરેટરોએ બંગાળમાં 178 નકલી કંપનીઓનું નેટવર્ક બનાવ્યું હતું. અને રૂ. 801 કરોડનો કરચોરી કરવા માટે નકલી બિલ જારી કર્યા હતા. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
ધરપકડ કરાયેલ વ્યક્તિઓમાંથી એક જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જ્યારે અન્ય ત્રણને ચાલુ તપાસમાં સહકાર આપતા જામીન આપવામાં આવ્યા છે. કોમર્શિયલ ટેક્સ ડિરેક્ટોરેટના કમિશનરે જણાવ્યું કે, હાલમાં કોર્ટમાં કેસ દાખલ કરવા માટે ચાર્જશીટ તૈયાર કરાઈ છે. આ મોટા પાયે કરચોરીના કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓને ઓળખવા અને તેમની ધરપકડ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: CGST અમદાવાદ નોર્થ વિભાગે વિરમગામ GIDCમાં 2 કરોડની કરચોરીનો કર્યો પર્દાફાશ